Last Updated on by Sampurna Samachar
મરાઠી-હિન્દી વિવાદની તુલના કૂતરા અને સિંહ સાથે કરી
નિશિકાન્ત દુબેની પ્રતિક્રિયા સામે આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી વિવાદ ફરી એક વાર ગરમાયો છે. મરાઠીમાં ન બોલતા એક પરપ્રાંતીય દુકાનદારને મનસેના કાર્યકર્તાઓ દ્વારા મારપીટ કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં વિવાદ છેડાયો છે. ત્યારબાદ ઠાકરે બંધુઓ એકઠા થયા અને રાજકારણમાં એક અલગ જ વળાંક પર લઈ ગયા. હવે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતા નિશિકાન્ત દુબેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જો તમારા હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુભાષીઓને મારી બતાવો.
ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ મરાઠી ભાષામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, મુંબઈમાં હિન્દી બોલનારાને મારનારાઓ, જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુ બોલનારાને મારી બતાવો. કુતરો પણ પોતાના ઘરમાં સિંહ હોય છે. તમે જ નક્કી કરો કે, કોણ કુતરો છે અને કોણ સિંહ. દુબેએ મરાઠી-હિન્દી વિવાદની તુલના કૂતરા અને સિંહ સાથે કરી છે. તેથી, હવે આ વિવાદ વધુ ભડકવાની શક્યતા છે.
મહારાષ્ટ્ર ભાષા વિવાદને પહલગામ ઘટના સાથે સરખાવી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ મહારાષ્ટ્રના ભાષા રાજકારણને કાશ્મીરી પંડિતો સાથે જોડી હતી. તેમણે અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે, મુંબઈમાં શિવસેના ઉદ્ધવ, મનસે રાજ ઠાકરે અને NCP પવાર સાહેબ અને કાશ્મીરમાંથી કાશ્મીરી હિન્દુઓને બહાર કાઢનારા સલાઉદ્દીન, મૌલાના મસૂદ અઝહર અને મુંબઈમાં હિન્દુઓને ત્રાસ આપનારા દાઉદ ઇબ્રાહિમ વચ્ચે શું તફાવત છે ? એકે હિન્દુ હોવા પર હત્યાચાર કર્યો, બીજા હિન્દીના કારણે હત્યાચાર કરી રહ્યા છે.
આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા આશિષ શેલારે મહારાષ્ટ્રમાં બિન-મરાઠી ભાષી સ્થળાંતર કરનારાઓ પર થયેલી હિંસાની તુલના પહલગામ આતંકવાદી હુમલા સાથે કરી હતી. તેમણે કહ્યું કે, પહલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા અને અહીં મહારાષ્ટ્રમાં હિન્દુઓને માત્ર તેમની ભાષાના કારણે મારવામાં આવી રહ્યા છે. આ બંનેમાં શું તફાવત છે ?