Last Updated on by Sampurna Samachar
કેટલાક દિવસોથી પાર્ટી સાથે ચાલી રહ્યો હતો વિવાદ
હું હિન્દુ સમુદાયની સાથે મજબૂત રીતે ઉભો રહીશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણાના ફાયરબ્રાન્ડ નેતા અને ગોશામહલથી ધારાસભ્ય ટી રાજા સિંહે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેલંગાણા પાર્ટી નેતૃત્વ સાથે કેટલાક દિવસોથી તેમનો વિવાદ ચાલી રહ્યો હતો. ભાજપ હાઇકમાન્ડે પ્રદેશ ભાજપ પ્રમુખ પદ માટે એન રામચંદ્ર રાવના નામ પર સહમતિ દર્શાવી છે, જેનાથી તેઓ નારાજ હતા. કહેવામાં આવી રહ્યું છે કે આનાથી નારાજ થઈને તેમણે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ બંદી સંજય કુમારને મોકલી દીધું છે.
રાજા સિંહે આ રાજીનામાને લાખો કાર્યકરોનો અવાજ ગણાવ્યો અને કહ્યું કે આ ર્નિણય તેમના માટે પીડાદાયક છે, પરંતુ જરૂરી હતો. રાજા સિંહે ભાજપના તેલંગાણા રાજ્ય પ્રમુખ જી કિશન રેડ્ડીને લખેલા પત્રમાં કહ્યું કે એન રામચંદ્ર રાવની નિમણૂકથી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ભારે નિરાશા ફેલાઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકોએ કેન્દ્રીય નેતૃત્વને ગેરમાર્ગે દોરીને આ ર્નિણય લીધો છે, જે પાર્ટીના હિતને બદલે વ્યક્તિગત હિતથી પ્રેરિત છે.
ટી રાજા સિંહે ૨૦૦૯ માં કરી હતી શરૂઆત
ગોશામહલના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે ભાજપ તેલંગાણામાં સરકાર બનાવવાની કગાર પર હતું, પરંતુ ખોટી નેતાગીરીની પસંદગીને કારણે, આ તક હાથમાંથી સરકી રહી હોય તેવું લાગે છે. રાજા સિંહે તેમના જાહેર નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ છોડવા છતાં, તેઓ હિન્દુત્વના વિચાર અને ગોશામહલના લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.
તેમણે કહ્યું, “મારું આ પગલું વિચારધારા વિરુદ્ધ નથી, પરંતુ નેતૃત્વના ર્નિણયોની વિરુદ્ધ છે. હું હિન્દુ સમુદાયની સાથે મજબૂત રીતે ઉભો રહીશ.” તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ અને બીએલ સંતોષને આ મુદ્દા પર પુનર્વિચાર કરવા પણ અપીલ કરી છે.
ટી રાજા સિંહે ૨૦૦૯ માં તેલુગુ દેશમ પાર્ટીથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેઓ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ ૨૦૧૪ માં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી તેઓ ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૩ માં ગોશામહલ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.