Last Updated on by Sampurna Samachar
વિપક્ષે ભાજપના અહંકાર પર આકરા પ્રહારો કર્યાં
સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં ધારાસભ્ય અને ભાજપ નેતા પરાગ શાહને લઇ વિવાદ સર્જાયો છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્યએ એક ગરીબ રિક્ષાચાલકને જાહેરમાં લાફો ઝીંકી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા વિપક્ષે ભાજપના અહંકાર પર આકરા પ્રહારો કર્યાં છે.

મળતી માહિતી મુજબ ઘાટકોપર પૂર્વ વિસ્તારમાં ધારાસભ્ય પરાગ શાહ સ્થાનિક રહેવાસીઓ સાથે ગેરકાયદે ફેરિયાઓ અને વધતી ટ્રાફિક સમસ્યા સામે ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન એક રિક્ષાચાલક કથિત રીતે ખોટી દિશામાં રિક્ષા લઈને આવી રહ્યો હતો. રિક્ષાચાલકને જોઈને ધારાસભ્ય ઊભા થયા હતા અને કાયદો હાથમાં લઈને તેને રોકીને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા.
ભાજપનો આ મામલે કોઇ પ્રતિક્રિયા નહીં
આ વીડિયો વાઈરલ થતા જ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ભાજપને ઘેરવાનું શરૂ કર્યું છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભાજપના ધારાસભ્યો કાયદાથી ઉપર હોવાનું માની રહ્યા છે.
આ ભાજપનો અસલી ચહેરો છે, જ્યાં તેઓ મોટા ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરે છે અને ગરીબ-મહેનતુ લોકોને માર મારે છે. શું કાયદો હાથમાં લેવાનો અધિકાર તેમને સત્તાએ આપ્યો છે? ભાજપના ધારાસભ્ય પરાગ શાહ ૨૦૧૯થી ઘાટકોપર પૂર્વ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા મુજબ તેમની પાસે ૩,૩૮૩.૦૬ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તે મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્ય તરીકે ઓળખાય છે.સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જાે રિક્ષાચાલકે ટ્રાફિક નિયમ તોડ્યો હતો, તો તેની સામે કાર્યવાહી કરવાનું કામ પોલીસ કે વહીવટીતંત્રનું છે. ધારાસભ્યનું કામ નીતિ-નિયમો બનાવવાનું અને વિરોધ નોંધાવવાનું છે, રસ્તા પર ઉતરીને હિંસા કરવાનું નહીં. સમર્થકોની હાજરીમાં ધારાસભ્યનો આ વર્તન તેમના પદની ગરિમા સામે સવાલો ઊભા કરી રહ્યો છે.
હાલમાં આ મામલે ભાજપ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ ગરીબ રિક્ષાચાલક પર હાથ ઉપાડવાની ઘટનાએ પરાગ શાહની મુશ્કેલીઓ વધારી દીધી છે.