Last Updated on by Sampurna Samachar
જેલમાંથી બહાર નીકળતાં જ ભાજપ પર કર્યા પ્રહાર
જેલની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સમર્થકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે હાઈકોર્ટમાંથી શરતી જામીન મળતા તેઓ ૮૦ દિવસ બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે. જેલની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકોએ ઢોલ-નગારા અને નાચ-ગાન સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ મીડિયા અને સમર્થકોને સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “મારા પર ખોટો કેસ કરીને મને ૮૦ દિવસ સુધી જેલમાં બંધ રાખવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન હું મારા પરિવારના સુખ-દુ:ખના પ્રસંગોમાં હાજર રહી શક્યો ન હતો, જેનું મને ખૂબ દુ:ખ છે. ભાજપ સરકાર વિપક્ષના અવાજને દબાવવા માટે આવા કાવતરાં કરી રહી છે.”
સમર્થકોએ હાર પહેરાવી સ્વાગત કર્યું
ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપ્યા છે. જાેકે, આ શરત હોવા છતાં તેમના સમર્થકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. જેલ બહાર હજારોની સંખ્યામાં એકઠા થયેલા સમર્થકોએ તેમને હાર પહેરાવી અને ગુલાબની પાંખડીઓ ઉડાડી તેમનું સ્વાગત કર્યું. ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ હવે પોતાના આદિવાસી સમાજની વચ્ચે જઈને તેમના અધિકારો માટે લડત ચાલુ રાખશે.