Last Updated on by Sampurna Samachar
સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય, પછી કલાકારોના નામ નક્કી થશે
બાયોપિકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે નારાયણ મુર્તિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિનું જીવન હવે સ્ક્રીન પર પથરાવવા જઇ રહ્યુ છે. જયાં રાઇટર-ડાયરેક્ટર-નિર્માતાની જોડી અશ્વિની ઐય્યર તિવારી અને નિતેશ તિવારી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ હિંદી, તમિલ અને નારાયણ મૂર્તિની માતૃભાષા કન્નડમાં બનાવવામાં આવનાર છે.
નારાયણ મૂર્તિ તેમની બાયોપિકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે ફિલ્મ નિર્માતાઓને આ ફિલ્મ પર શક્ય તેટલી વહેલી તકે કામ શરૂ કરવા જણાવ્યું છે. નારાયણ મૂર્તિ આઇટી ક્ષેત્રમાં તેમના કામ માટે જાણીતા છે, જ્યારે તેમની પત્ની સુધા મૂર્તિ તેમના સામાજિક કાર્ય તેમજ પુસ્તકો લખવા માટે જાણીતા છે. એટલું જ નહીં, તેણીએ કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ‘પ્રાર્થને’, ‘પ્રીતિ ઇલાડા મેલે’ અને ‘ઉપ્પુ, હુલી, ખારા’ જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી છે.
પ્રોજેક્ટ ‘મૂર્તિ’ નામથી આગળ ધપી રહ્યો છે
આ ફિલ્મ બનાવવા માટે, અશ્વિની ઐયર-તિવારી અને નિતેશ તિવારી મૂર્તિ પરિવાર પાસેથી દરેક નાની-મોટી માહિતી એકત્રિત કરવામાં વ્યસ્ત છે. જેથી તેના આધારે ફિલ્મની વાર્તા બનાવી શકાય. ફિલ્મ માટે હજુ સુધી કોઈ નામ ફાઇનલ થયું નથી. ત્યારે હાલમાં, આ પ્રોજેક્ટ ‘મૂર્તિ’ નામથી આગળ ધપાવવામાં આવી રહ્યો છે. એકવાર સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય, પછી કલાકારોના નામ નક્કી કરવામાં આવશે.
એટલા માટે ફિલ્મ નિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે. એ ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં અશ્વિનીએ આ ફિલ્મ બનાવવા માટે લાગેલા સમય વિશે માહિતી આપતાં કહ્યું હતુ કે, “તેની વાર્તા હજુ લખાઈ રહી છે. તેમાં ચોક્કસ સમય લાગી રહ્યો છે, પણ મને તેમની વાર્તા લોકો સુધી પહોંચાડવામાં ખુશી થાય છે. તેમણે કહ્યું કે તેઓ એવી ફિલ્મ બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. જેની સાથે દર્શકો પોતાને જોડાઇ શકે. તેમનો ઉદ્દેશ્ય ફક્ત વ્યાપારી રીતે સફળ ફિલ્મ બનાવવાનો નથી.