Last Updated on by Sampurna Samachar
ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ
૧૪૦ કરોડ ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં પણ વિશ્વાસનો છે. તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક બાદ ચીનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન બંને દેશોએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.
વૈશ્વિક સ્તરે ભારત-રશિયાની મિત્રતા અમેરિકાને એક સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે, ભલે કોઈપણ દબાણ આવે, પણ ભારત ક્યારેય પોતાના સંબંધોને છોડશે નહીં. આ મુલાકાત દરમિયાન પુતિને કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય આધાર પર નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે.
પુતિને ભારતને મુશ્કેલ સમયનો સાથી ગણાવ્યો
વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિનની વાતને સમર્થન આપતા કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધો સારા જ નહીં, પરંતુ ખરાબ સમયમાં પણ મજબૂત રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, પુતિન સાથેની મુલાકાત હંમેશા યાદગાર હોય છે. તેમણે પુતિનને ડિસેમ્બરમાં થનારી ભારત યાત્રા માટે આવકાર આપ્યો અને કહ્યું કે ૧૪૦ કરોડ ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ યુક્રેન સંઘર્ષ પર પણ વાતચીત કરી હતી અને શાંતિ પ્રયાસોનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, ભારત શાંતિ માટે દરેક પગલે સાથે છે. વર્તમાન પરિસ્થિતિમાં, ચીન-ભારત અને રશિયા મળીને વૈશ્વિક સ્તરે ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. અમેરિકાનું દબાણ છતાં, ભારત-રશિયા એકબીજાના ગાઢ સહયોગી રહ્યા છે.
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોથી સ્પષ્ટ થાય છે કે, ભારત કોઈના દબાણમાં આવીને પોતાના ઐતિહાસિક અને વિશ્વસનીય સંબંધોને તોડશે નહીં. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચેની અનૌપચારિકતા અને સ્મિત સ્પષ્ટપણે જોવા મળ્યા, જે તેમના ગાઢ સંબંધોની સાબિતી છે. પુતિને ભારતને મુશ્કેલ સમયનો સાથી ગણાવ્યો, જે બંને દેશો વચ્ચેના મજબૂત બંધનને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ ઝિંક્યો છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી અને રશિયા તે ઓઈલના નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં ઉપયોગ કરવાનો ટ્રમ્પે આક્ષેપ કર્યો છે, ત્યારબાદ તેમણે ભારત પર મસમોટો ટેરિફ બોંબ ઝિંકી દીધો છે.