Last Updated on by Sampurna Samachar
રાજકોટની ગોંડલ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈક સવારને કચડ્યો
અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રંગીલા રાજકોટમાં ટ્રાફિકથી સતત ધમધમતી ગોંડલ ચોકડી પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ગોંડલ ચોકડી પાસે સર્જાયેલા આ અકસ્માતના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે, તે જોઈને હચમચી જવાય તેવા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રક ચાલક કેટલી બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો અને તેને કારણે નિર્દોષ બાઈક ચાલકનો ભોગ લેવાયો છે. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને CCTV ફૂટેજના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ગોંડલ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.