Last Updated on by Sampurna Samachar
BMC ચૂંટણી એકલા હાથે લડશે , કોંગ્રેસે જાહેરાત કરી
તેજસ્વી યાદવને મળેલા વિશાળ જનસમર્થન અંગે તપાસ જરૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર ચૂંટણીના પરિણામોની અસર હવે મહારાષ્ટ્રના રાજકારણ ઉપર પણ પડતી જોવા મળી રહી છે. શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેએ હવે કોંગ્રેસને આંખો દેખાડવા માંડી છે. તેમણે સ્પષ્ટ કરી દીધુ કે કોંગ્રેસ પોતાનો ર્નિણય પોતે જાતે લેવા માટે સ્વતંત્ર છે અને તેમની પાર્ટી પણ પોતાના ર્નિણયો સ્વતંત્ર રીતે લે છે.

વાત જાણે એમ છે કે કોંગ્રેસે જ જાહેરાત કરી હતી કે તે BMC ચૂંટણી એકલા હાથે લડશે. જેના એક દિવસ બાદ એટલે કે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન આવ્યું જેનાથી સંકેત મળે છે કે તેઓ કોંગ્રેસને મનાવવાની કોઈ કોશિશ કરવાના નથી.
બંને નેતાઓની વાતચીતને જોખમરૂપે જોઇ
ઉદ્ધવ ઠાકરેએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ એનડીએને મળેલી ભારે જીત પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે આરજેડી નેતા તેજસ્વી યાદવને મળેલા વિશાળ જનસમર્થન અંગે એ તપાસ થવી જોઈએ કે આ સમર્થન વાસ્વવિક હતું કે પછી AI દ્વારા તૈયાર કરાયું હતું?
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રમેશ ચેન્નિથલા અને મુભઈ કોંગ્રેસ પ્રમુખ વરખા ગાયકવાડે શનિવારે કહ્યું હતું કે પાર્ટી સ્થાનિક યુનિટની સલાહ મુજબ ૨૨૭ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતારશે. ચેન્નિથલાએ કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાના કારણે અમે મુંબઈ યુનિટના મતને પ્રાથમિકતા આપી છે.
એક મીડિયા રિપોર્ટમાં કોંગ્રેસ સંલગ્ન સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ મનસે ચીફ રાજ ઠાકરેની હાલની નીકટતાથી પાર્ટીમાં અસહજતા વધી છે. બંને નેતાઓ વચ્ચે વધતી વાતચીતને કોંગ્રેસ પોતાના માટે રાજકીય જોખમ તરીકે જોઈ રહી છે.