Last Updated on by Sampurna Samachar
આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા તો 7 લોકો ગુમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના કટિહારમાં ગંગા નદીના ગોલાઘાટ નજીક બોટ ડૂબી જતાં તેમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સાત લોકો ગુમ છે. સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે, આ બોટમાં લગભગ ૧૮ લોકો સવાર હતા. ક્ષમતા કરતાં વધુ લોકો સવાર થતાં બોટ પલટી ખાઈ ગઈ હતી.
બિહારના બુધનગર અને કિશનપુરના રહેવાસીઓ નાનકડી બોટમાં સવાર થઈ પડોશી રાજ્ય ઝારખંડના સાહિબગંજમાં બાસકોલ સ્થિત સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. જ્યાં ક્ષમતાથી વધુ લોકો બોટમાં સવાર થતાં દુર્ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા અને અન્ય સાત લોકો ગુમ છે. આઠ લોકોને તરતાં આવડતું હોવાથી તેઓ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. કટિહારના દિયારા ક્ષેત્રમાં નદીની આસપાસ ખેતરો હોવાથી લોકોના પરિવહન માટે બોટ મુખ્ય સાધન છે. લોકો બોટમાં જ સવાર થઈ ખેતરોમાં કામ કરવા જાય છે. જોકે, ઘણીવખત ક્ષમતા કરતાં વધુ લોકો બોટમાં સવાર થતાં હોવાથી અનેકવાર બોટ પલટી જવાના કિસ્સા બનતા રહે છે. અગાઉ નવેમ્બર, ૨૦૨૪માં કટિહારની મનિહારી ગંગા નદીમાં ક્ષમતા કરતાં વધુ લોકો બોટમાં સવાર થતાં આ પ્રકારની દુર્ઘટના બની હતી. જેમાં બે લોકો ગુમ થયા હતાં.