Last Updated on by Sampurna Samachar
જમીન વહેંચણી અને હક્ક કમીની પ્રક્રિયા સરળ બની
સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતા હવે ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર ઓછો થતાં મોટી રાહત થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં વારસાઈ સંબંધિત જમીનના આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.જેમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ હેઠળ રાજ્ય સરકારે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા ૩૦૦ ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો ર્નિણય કર્યો છે. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતા હવે ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર ઓછો થતાં મોટી રાહત થશે.

રાજ્યમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં રાહત આપીને રૂ.૩૦૦ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. વિવિધ સમાજના અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે
આ ર્નિણય અનુસાર, વારસાઈની નોંધ હેઠળના સંયુકત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસદારોની તરફેણમાં એક કે વધુ તબક્કામાં હક્ક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હક્ક-કમીના લેખ પર રૂ.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી લેવાશે. જેમાં મરણ જનાર મુળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસદારો હયાત ન હોય તો આડી લીટીના વારસદારોનો સમાવેશ થશે.
જેમાં જો સીધીલીટીના વારસદારો હયાત હોય તો તે પૈકીના એક કે વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધીલીટીના એક પણ વારસદારો હયાત ન હોય તો આડીલીટીના હયાત પૈકીના એક યા વધુ વારસદારોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હક્ક દાખલના લેખ પર રૂ.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવશે.
સમયના ક્રમાનુસાર એક યા વધુ તબક્કે વારસાઈ નોંધ અન્વયે દાખલ થયેલા સંયુકત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે કરવામાં આવતી વહેંચણીમાં પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.જે કિસ્સામાં સીધીલીટીના એક પણ વારસદારો હયાત ન હોય તો જ આડીલીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવો. જેમાં હયાતીમાં નામ/હક્ક દાખલ કરવા તથા વહેંચણી અંગે ઉક્ત દર્શાવેલા પ્રત્યેક લેખ પર રૂ.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી વસુલી વિનિયમિત કરવાની રહેશે.
આ ર્નિણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે. જેમાં કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે અને હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે, તેમાં આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે.