Last Updated on by Sampurna Samachar
બ્લેક બોક્સની મેમરી એક્સેસ થતાં ડેટા કાઢવાની પ્રક્રિયા શરૂ
બ્લેક બોક્સને તપાસ માટે વિદેશ મોકલવાની અટકળો ચાલી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના બ્લેક બોક્સને લઈને મોટી અપડેટ સામે આવી છે. તપાસકર્તાઓએ ૧૨ જૂનના રોજ અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયા વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા રિકવર કરી લીધો છે. દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયા વિમાનના ફ્રન્ટ બ્લેક બોક્સમાંથી ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે. મેમરી મોડ્યૂલને પણ સફળતાપૂર્વક ઍક્સેસ કરવામાં આવ્યું છે. હાલમાં, આખા મામલાની તપાસ ચાલુ છે.
ખરેખર, AAIB અને NTSB એ બ્લેક બોક્સ અને CVR નો ડેટા કાઢવાનું શરૂ કર્યું છે. મેમરી મોડ્યૂલમાંથી ડેટા સફળતાપૂર્વક ઍક્સેસ અને ડાઉનલોડ કરવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના જણાવ્યા અનુસાર, CVR અને FDR ડેટાનું વિશ્લેષણ ચાલુ છે. તેનો ઉદ્દેશ દુર્ઘટનાના કારણો શોધીને ભવિષ્યમાં સુરક્ષાને મજબૂત કરવાનો છે.
બ્લેક બોક્સની તપાસ AAIB દ્વારા ચાલુ
૨૪ જૂનના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, ૧૨ જૂનના રોજ અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયા વિમાનના બ્લેક બોક્સની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે એવી અટકળોને નકારી કાઢી હતી કે બ્લેક બોક્સને તપાસ માટે વિદેશ મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાનનું બ્લેક બોક્સ ૧૩ જૂનના રોજ ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું. બ્લેક બોક્સ એ એક નાનું ઉપકરણ (ડિવાઈસ) હોય છે, જે ઉડાન દરમિયાન વિમાન વિશેની માહિતી રેકોર્ડ કરે છે. આ ઉપકરણ વિમાન દુર્ઘટનાઓની તપાસમાં મદદ કરે છે. દુર્ઘટના બાદ સરકારે જણાવ્યું હતું કે, દુર્ઘટનાના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરવામાં આવી હતી, અને તપાસ સરળતાથી આગળ વધી રહી છે.