Last Updated on by Sampurna Samachar
કરૂણ નાયર હવે આગામી ડોમેસ્ટિક સીઝનમાં કર્ણાટક માટે રમશે
કર્ણાટક ક્રિકેટ એસોસિએશને કર્યો કરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય બેટ્સમેન કરુણ નાયરનું ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કરુણ નાયર ૬ ઇનિંગ્સમાં ફક્ત ૧૩૧ રન બનાવી શક્યો છે. આ દરમિયાન તેની સરેરાશ ૨૧.૮૩ રહી છે અને શ્રેષ્ઠ સ્કોર ૪૦ રન રહ્યો છે. કરુણને હવે માન્ચેસ્ટર ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરી શકાય છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કરુણ નાયર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કરુણ નાયરની બે વર્ષ બાદ ઘર વાપસી થઈ છે એટલે કે નાયર હવે આગામી ડોમેસ્ટિક સીઝન (૨૦૨૫-૨૬) માં કર્ણાટક માટે રમશે, જે તેની જૂની ટીમ રહી છે.
૮ વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી
કરુણને ૨૦૨૨ માં કર્ણાટક ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે ૨૦૨૩ અને ૨૦૨૪ સીઝનમાં વિદર્ભનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અહેવાલ અનુસાર, કરુણ નાયરે વ્યક્તિગત કારણોસર કર્ણાટકની ટીમમાં પાછા ફરવાનો ર્નિણય લીધો છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશન KSCA એ પણ તેની સાથે કરાર કર્યો છે. કરુણ નાયરે રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં વિદર્ભ માટે ૮૬૩ રન બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફીમાં તેમણે ૭૭૯ રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે તે ૮ વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી હતી.