Last Updated on by Sampurna Samachar
સરકારી કર્મચારીઓને ફ્લેટ ખરીદવા પર મળશે ૨૫% ડિસ્કાઉન્ટ
કર્મયોગી આવાસ યોજના હેઠળ પાત્ર અરજદારો મોટા ડિસ્કાઉન્ટ અને સસ્તા દરે તેમના ઇચ્છિત ફ્લેટ બુક કરાવી શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી સરકારી કર્મચારીઓ માટે ઘરનું ઘર લેવાના સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની તૈયારી કરી રહી છે. રામ નવમીના અવસરે શરૂ કરાયેલ “કર્મયોગી આવાસ યોજના” હેઠળ પાત્ર અરજદારો હવે મોટા ડિસ્કાઉન્ટ અને સસ્તા દરે તેમના ઇચ્છિત ફ્લેટ બુક કરાવી શકશે.

આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે ફક્ત હાલમાં સેવા આપતા અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ જ અરજી કરવા પાત્ર છે. આ પાત્રતા માપદંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, તેમજ સરકારી બેંકો, જાહેર ક્ષેત્રની કંપનીઓ, યુનિવર્સિટીઓ અને વિવિધ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કર્મયોગી આવાસ યોજના
આ યોજના સામાન્ય લોકો માટે નથી અને અરજી પ્રક્રિયા ૨૬ માર્ચે બપોરે ૧૨ વાગ્યે શરૂ થઈ. આ યોજના હેઠળના બધા ફ્લેટ દિલ્હીના નરેલાના પોકેટ ૬માં સ્થિત છે. ખાસ જણાવ્યું છે કે નરેલા ઝડપથી શિક્ષણ કેન્દ્ર તરીકે વિકાસ કરી રહ્યું છે અને મેટ્રો નેટવર્ક સાથે સારી રીતે જોડાયેલ છે, જે તેને વધુ આકર્ષક સ્થાન બનાવે છે.
આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તમામ પ્રકારના ફ્લેટ પર ૨૫%નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે દિલ્હીમાં ઘર લેવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ ફ્લેટ તદ્દન નવા છે અને તેની બનાવટ પણ મજબૂત અને આધુનિક છે.
આ વિસ્તાર બેસ્ટ પરિવહન સુવિધાઓ સાથે એક શાનદાર રહેણાંક હબ તરીકે વિકસી રહ્યો છે. તે કરનાલ રોડની ખૂબ નજીક છે. વધુમાં રિઠાલા-નરેલા-કુંડલી મેટ્રો કોરિડોર બનતા જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પહોંચવાનું ખૂબ સરળ બનશે.
આ યોજના માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને સરળ છે. રસ ધરાવતા સરકારી કર્મચારીઓ સત્તાવાર વેબસાઇટ, dda.gov.inઅથવા તેના ઈ-સેવા પોર્ટલની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે. ઉમેદવારે અરજી કરતી વખતે તેનું PAN કાર્ડ, આધાર કાર્ડ અને વર્તમાન સેવા અથવા નિવૃત્તિનો પુરાવો જોઈશે.
વેબસાઇટમાં લોગ ઇન કર્યા પછી અરજદારોએ “કર્મયોગી આવાસ યોજના” વિકલ્પ પસંદ કરવાનો અને તેની વ્યક્તિગત અને વિભાગીય માહિતી દાખલ કરવી પડશે. ત્યારબાદ તેઓ તેમની પસંદગીનો ફ્લેટ પસંદ કરવાનો રહેશે અને નિર્ધારિત બુકિંગ રકમ ઓનલાઈન ભરવાની રહેશે. આ યોજના વહેલા તે પહેલાના ધોરણે હોવાથી પોર્ટલ ખુલતાની સાથે જ સમયસર પ્રક્રિયા પુરી કરવી જરૂરી છે.