Last Updated on by Sampurna Samachar
થોડા વર્તમાન મંત્રીઓને નવી જવાબદારી તૈયારી
મોદી-શાહ સાથેની બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવાળી પૂર્વે રાજકીય ગરમાવો વધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, રત્નાકરજી વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મેરેથોન બેઠક બાદ હવે ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તીવ્ર બની છે. વિશ્વસનીય સૂત્રો મુજબ આગામી દિવસમાં નવી કેબિનેટની જાહેરાત શક્ય છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળવાની પૂરી શક્યતા છે. સાથે જ, થોડા વર્તમાન મંત્રીઓને નવી જવાબદારી સાથે રાખવાની પણ તૈયારી છે.
જયેશ રાદડિયા (જેતપુર, લેઉઆ પાટીદાર) અને જીતુભાઈ વાઘાણી (ભાવનગર દક્ષિણ, લેઉઆ પાટીદાર) પુન: મંત્રાલયમાં સ્થાન મેળવી શકે છે. તેમજ શંભુનાથ ટુંડિયા અને પ્રકાશ વરમોરા (ધ્રાંગધ્રા, ઉદ્યોગપતિ – પાટીદાર) નવા ચહેરા તરીકે ધ્યાન ખેંચી રહ્યા છે. પોરબંદરના અર્જુન મોઢવાડિયા (મેર –) અને જામનગરના રીવાબા જાડેજા (ક્ષત્રિય) પણ ચર્ચાસ્પદ નામોમાં છે.
પાંચ મંત્રીઓને જ પુન: સ્થાન મળવાની શક્યતા
મધ્ય ગુજરાતમાંથી નિમિષા સુથાર (મોરવાહડફ, OBC) અને અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ, ક્ષત્રિય) નાં નામ હાઈલાઇટ થઈ રહ્યા છે. બ્રાહ્મણ સમાજમાંથી અમિત ઠાકર (વેજલપુર), અમૂલ ભટ્ટ (અમદાવાદ મણિનગર) અને દર્શનાબેન વાઘેલા (અસારવા, SC) પણ સંભાવિત છે. દક્ષિણ ગુજરાતમાં દર્શના દેશમુખ (નર્મદા, ST ), નરેશ પટેલ (ગણદેવી, ST) અને સંગીતા પાટીલ (લિંબાયત, સુરત, OBC )ના નામ મંત્રીમંડળના સંતુલનમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાંથી પણ મોટા ફેરફારના સંકેત છે. શંકરભાઈ ચૌધરી (થરાદ), રમણલાલ વોરા (ઈડર, OBC), જે.એસ. પટેલ (માણસા, કડવા પાટીદાર), વી.ડી. ઝાલા (હિંમતનગર, ક્ષત્રિય), સ્વરૂપજી ઠાકોર (વાવ), અલ્પેશ ઠાકોર (ગાંધીનગર ઉત્તર) અને સી.જે. ચાવડા (વિજાપુર) જેવા નેતાઓ મંત્રીપદ માટે ચર્ચામાં છે.
સૂત્રો કહે છે કે, નવી ટીમમાં મહિલાઓને પણ વિશેષ સ્થાન મળશે. બે મહિલા નેતાઓના નામ લગભગ નક્કી છે. ઉપરાંત, કેટલાક પૂર્વ કોંગ્રેસી નેતાઓને પણ સ્થાન આપવાની વિચારણા છે જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ, હાલના લગભગ પાંચ મંત્રીઓને જ પુન: સ્થાન મળવાની શક્યતા છે, પરંતુ તેમની જવાબદારીઓમાં ફેરફાર થઈ શકે છે.
ભાજપ હાઇકમાન્ડે રાજ્ય નેતૃત્વને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, “નવા ચહેરા એવા હોવા જોઈએ જે લોકો સાથે સીધો સંપર્ક સાધી શકે અને દિવાળી પહેલાં જ નવા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી જાય.” રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિસ્તરણમાં પ્રદેશીય, સામાજિક અને સંગઠનાત્મક સંતુલન જાળવવાનું કામ સૌથી મોટો પડકાર બનશે.