‘મહિલા સાંસદ સાથે આવો વ્યવહાર કરવો દુર્વ્યવહાર છે’
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગૃહમંત્રી અમિત શાહે ડૉ.ભીમરાવ આંબેડકર પર ટિપ્પણી કર્યા બાદ સંસદમાં ભારે હોબાળો થયો છે. સંસદ બહાર વિપક્ષોના દેખાવો દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સાંસદો સામસામે આવી જતા ભારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના બાદ બંને પક્ષોના નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજ્યા બાદ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રેસ કોન્ફન્સ યોજી છે અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા છે.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ‘મહિલા સાંસદ સાથે આવો વ્યવહાર કરવો દુર્વ્યવહાર છે. કોંગ્રેસે મર્યાદા તોડી છે. શું મહિલા આદિવાસી સાંસદ વિરુદ્ધ આવો વ્યવહાર કરાશે ? હું એક ડઝન વખત લોકસભા અને વિધાનસભાનો સભ્ય રહેલો છું. મેં સાંસદો અને ધારાસભ્યોનું વ્યવહાર અને આચરણ જોયું છે, પરંતુ સંસદમાં જે ઘટના બની છે, તેની કલ્પના પણ ન કરી શકાય. આ ઘટનાના કારણે મારું મન વ્યથિત છે, પીડિતાથી ભરેલું છે. બેઠકની ગરિમાને પગ તળે કચડવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ અધ્યક્ષના આસન પર ચઢી ગયા હતા, જે મેં ક્યારે જોયું નથી. લોકતંત્રના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. તે માટે દેશ તેમને માફ નહીં કરે.’
તેમણે કહ્યું કે, ‘શું રાહુલ ગાંધીએ સભ્યતાભર્યો વ્યવહાર કર્યો છે? શું આ ભારતની સંસ્કૃતિ અને ભારતીય વ્યવહાર છે? તેમણે આજે શરમજનક વર્તન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમને થયું કે, સંસદની અંદર તેમના દ્વારા કરાયેલા કૃત્યોની તેઓ માફી માંગશે, પરંતુ તેમણે માફી ન માંગી. મને સમજાયું જ નહીં કે, તેઓએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી. તે પ્રેસ કોન્ફરન્સમાં તેમનો અહંકાર જોવા મળ્યો હતો.’
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણની ચર્ચા દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર ટિપ્પણી કરી હતી. અમિત શાહે વિરોધ પક્ષો પર કટાક્ષ કરતાં કહ્યુ હતું કે, ‘હવે આંબેડકર, આંબેડકર, આંબેડકર બોલતા રહેવાની ફેશન થઈ ગઈ છે. જો તેમણે આટલો વખત ભગવાનનું નામ લીધું હોત તો તેમને સ્વર્ગમાં જગ્યા મળી ગઈ હોત.’ આ ઘટના બાદ વિપક્ષે અમિત શાહ સામે મોરચો ખોલી દીધો છે અને તેમની પાસેથી રાજીનામું માંગી રહ્યા છે. આ ઉપરાંત સંસદમાં ભારે ધમાસાણ જોવા મળ્યું છે. સંસદમાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપ સાંસદ સારંગીને સામાન્ય ઈજા થઈ છે. સારંગીએ આક્ષેપ કર્યો છે કે, ‘રાહુલ ગાંધીએ તેમને ધક્કો મારતાં તેઓ પડી ગયા અને તેમને ઈજા થઈ છે.’ જવાબમાં રાહુલે કહ્યું કે, ‘તેમને મને ધક્કો માર્યો છે.’ આ ઘટના બાદ ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુર અને દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજ આ મામલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. બીજીતરફ મહિલા સાંસદો સહિત કોંગ્રેસના સાંસદોના એક પ્રતિનિધિમંડળે પણ ભાજપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.