પૈસા વહેંચવાના આરોપ પર પ્રવેશ વર્માએ જુઓ શુ કહ્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ નેતા પ્રવેશ વર્માના ઘરે દરોડા પાડવાની અપીલ કરી છે. તેમણે ભાજપ નેતા પર ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
સૂત્રોના અનુસાર, કેજરીવાલે ભાજપ નેતા પ્રવેશ વર્મા પર મહિલાઓને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો પર પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, હું એ જાહેરાત કરું છું કે ભલે કેટલો પણ હોબાળો કેમ ન થઈ જાય, હું તમામ વ્યક્તિની મદદ કરવાના પોતાના મિશન પર અડગ રહીશ. નવી દિલ્હીની તમામ જરૂરિયાતમંદ મહિલાઓને મારું આ વચન છે. તમને આ મદદ તમામ પરિસ્થિતિમાં વગર કોઈ અડચણે મળતી રહેશે. પેન્શનની જરૂરિયાતોથી લઈને નોકરીની જરૂરિયાતો સુધી, તેમના ભાઈ અને દીકરા – તેમના જીવનને સુધારવા માટે પ્રવેશ સાહિબ વર્મા ૨૪*૭ કામ કરતા રહેશે.
ભાજપે પ્રવેશ વર્માને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી વિધાનસભા બેઠકથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. સાથે જ કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના દીકરા સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે. આ બેઠક પર ત્રણ મોટા ચહેરા મેદાનમાં છે, જેને લઈને અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી ૫ ફેબ્રુઆરીએ યોજાશે. દિલ્હી વિધાનસભાની તમામ ૭૦ બેઠકો પર મતદાન થશે. જ્યારે ૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ ૧૭ જાન્યુઆરી છે.
દિલ્હી વિધાનસભામાં કુલ ૭૦ બેઠકો છે જેમાં ૫૮ સામાન્ય અને ૧૨ અનામત બેઠકો છે. કુલ મતદારોની સંખ્યા ૧.૫૫ કરોડ છે જેમાં ૮૩.૪૯ લાખ પુરુષો અને ૭૧.૭૪ લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૨૬૧ ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. કુલ મતદારોમાં ૨૫ લાખ યુવા મતદારો છે, બે લાખ જેટલા યુવાનો પ્રથમ વખત મતદાન કરશે.
દિલ્હીમાં મતદાન પ્રક્રિયાને પાર પાડવા માટે ૧૩ હજારથી વધુ મતદાન મથકો તૈયાર કરાશે. આ પહેલા વર્ષ ૨૦૨૦માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૬૨, ભાજપને ૮ જ્યારે કોંગ્રેસને કોઇ જ બેઠક નહોતી મળી. હાલમાં આમ આદમી પાર્ટી અને ભાજપ બન્ને દ્વારા દિલ્હીની ગાદી સંભાળવવા માટે પુર જાેશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આપના અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશી ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.