Last Updated on by Sampurna Samachar
હાલ જે.પી. નડ્ડા દિલ્હી ચૂંટણી સુધી કાર્યભાર સંભાળશે તેવી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટી પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ કરવા જઇ રહી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી ૧૦ ફેબ્રુઆરી થી ૨૦ ફેબ્રુઆરી વચ્ચે થવાની સંભાવના છે. વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી ચૂંટણી સુધી ભાજપની કમાન સંભાળશે. તેમનો અધ્યક્ષ કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૪ માં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને કારણે નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો હતો.
ભાજપની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યોની પસંદગી બાકી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા રાજ્યો એકમમાં ઓછામાં ઓછા ૫૦ ટકાએ પોતાના સંગઠનની ચૂંટણી સમાપ્ત કરવી પડશે. અત્યાર સુધી માત્ર ચાર રાજ્યોએ પોતાના રાજ્ય અધ્યક્ષોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરી છે.
ભાજપ નેતાઓ અનુસાર, સંગઠનાત્મક ચૂંટણી પોતાના નિર્ધારિત સમય પર થઈ રહી છે અને સમય પર પૂર્ણ થઈ જશે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતની મંજૂરીથી થશે. આ રેસમાં ઘણા નામ અત્યાર સુધી સૂત્રો દ્વારા સામે આવ્યા છે. પરંતુ ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટી મહાસચિવ વિનોદ તાવડેના અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે ભૂપેન્દ્ર યાદવમાંથી કોઈ એકની સંભાવના પ્રબળ છે.
ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામ પાછળા સંગઠનાત્મક ચૂંટણીમાં પણ ચર્ચામાં હતા, પરંતુ અંતે આ જવાબદારી જેપી નડ્ડાને સોંપવામાં આવી હતી. આ ત્રણેય નેતા પાર્ટીની અંદર પોતાના કામની મદદથી અનુભવ મેળવી ચૂક્યા છે. ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનથી છે. તો ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાથી આવે છે. વિનોદ તાવડે મહારાષ્ટ્રથી છે. ત્રણેય નેતાઓને અમિત શાહના નજીકના માનવામાં આવે છે.
પાર્ટીના બંધારણ પ્રમાણે તેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય છે જે ઓછામાં ઓછા ૧૫ વર્ષથી પાર્ટીના સભ્ય હોય. આ પહેલા ૨૦૧૦થી ૨૦૧૩ સુધી સંગઠનની કમાન નીતિન ગડકરી પાસે હતી. રાજનાથ સિંહ ૨૦૦૫થી ૨૦૦૯ સુધી અને પછી ૨૦૧૩થી ૨૦૧૪ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં. ૨૦૧૪થી ૨૦૨૦ સુધી અમિત શાહે ભાજપની કમાન સંભાળી હતી.