Last Updated on by Sampurna Samachar
આ મામલે સિસોદિયાને કાયદાકીય નોટિસ મોકલશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ૮ ફે્બ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ભાજપ ૨૭ વર્ષ પછી સત્તામાં પાછી આવી છે. પરંતુ ચૂંટણી પછી પણ આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન પટપડગંજના ભાજપ ધારાસભ્ય રવિન્દ્ર નેગીએ પૂર્વ ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર મોટો આરોપ લગાવ્યો છે.
રવિન્દ્ર નેગીએ જણાવ્યું હતું કે, મનીષ સિસોદિયાએ વિધાનસભા કેમ્પ ઓફિસમાંથી ટીવી, ટેબલ, ખુરશી અને પંખાની ચોરી કરીને લઈ ગયા છે. તેમણે કહ્યું કે, તેઓ આ મામલે સિસોદિયાને કાયદાકીય નોટિસ મોકલશે.
હાલમાં જ રવિન્દ્ર નેગીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘આપના પૂર્વ પટપડગંજ ધારાસભ્ય મનીષ સિસોદિયાએ ચૂંટણી પહેલા જ પોતાનો અસલી ચહેરો બતાવી દીધો હતો. ધારાસભ્યના કાર્યાલયમાંથી એસી, ટીવી, ટેબલ, ખુરશીઓ અને પંખાની ચોરી કરી લીધી હતી. તેમના ભ્રષ્ટાચારની સીમાએ હવે બધી હદો વટાવી ગયો છે.
નેગીએ સિસોદિયા અને તેમની ટીમ પર આરોપ લગાવતા કહ્યું, ‘તેઓએ ઓફિસમાંથી વસ્તુઓ ગાયબ કરી દીધી.’ ઓફિસ સાવ ખાલી છે. આ લોકો ચોર છે, તેમને એ વાતની પણ શરમ નથી કે, આગામી ધારાસભ્ય ક્યાં બેસશે.’
પટપડગંજના ધારાસભ્યએ કહ્યું કે, ઓફિસમાંથી ગુમ થયેલી વસ્તુઓમાં ૨૫૦-૩૦૦ ખુરશીઓ, રુપિયા ૨થી ૩ લાખની કિંમતનું ટીવી અને ૧૨ લાખ રુપિયાની કિંમતની સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિસોદિયા અને તેમની ટીમે માત્ર સરકારી મિલકત તો લીધી છે, પરંતુ આ સાથે સરકારી મિલકતને નુકસાન પણ પહોંચાડ્યું અને દરવાજા પણ તોડી નાખ્યા.
ઉલ્લેખનીય છે કે, આ વખતે આપએ પટપડગંજથી અવધ ઓઝાને ટિકિટ આપી હતી. ધારાસભ્ય મનીષ સિસોદિયાએ જંગપુરાથી આ બેઠક પરથી ચૂંટણી લડી હતી. નેગીએ અવધ ઓઝાને ૨૮,૦૭૨ મતોથી હરાવ્યા હતા.