ભાજપના ધારાસભ્યો આરોપોને સાબિત કરે તો તે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાદેશના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સંદર્ભે ભાજપના ધારાસભ્યો દ્વારા મૂકવામાં આવેલા આરોપો ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, જો ભાજપના ધારાસભ્યો આ આરોપોને સાબિત કરી દે, તો તે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે.
મમતા બેનર્જીએ તેમની વિરુદ્ધ ભાજપના ધારાસભ્યો દ્વારા મૂકવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રકારના ખોટા દાવાઓની ફરિયાદ કરતો પત્ર લખશે. TMC અધ્યક્ષ મમતા બેનર્જીએ કહ્યું કે, ‘ભાજપના નેતાઓ અને ધારાસભ્યો દાવો કરી રહ્યા છે કે, મારો કાશ્મીરના આંતકવાદીઓ અને બાંગ્લાદેશના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ છે. જો ભાજપ આ દાવો સાબિત કરી દે, મારા આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ છે તો હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ.
વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે, હું વડાપ્રધાન મોદીને પત્ર લખી ફરિયાદ કરીશ કે, તેમના પક્ષના ધારાસભ્યો પુરાવા વિના મારા પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાનો આરોપ મૂકી રહ્યા છે. આતંકવાદનો ખોટો આરોપ સહન કરવો તેના કરતાં તો મરી જવું વધારે સારું છે.
મમતાએ કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદી ભાજપના ધારાસભ્યોને નફરત ફેલાવતાં ભાષણો આપવા અને લોકોના ભાગલા પાડવાની મંજૂરી આપતો નથી. અભિવ્યક્તિની આઝાદીનો અર્થ નફરત ફેલાવવાનો નથી. ભાજપના ધારાસભ્ય રાજકીય લાભ માટે ધર્મનો સહારો લો છો, પરંતુ અમે એવું કરતાં નથી. હું ધર્મ-નિરપેક્ષતા અને તમામ સમુદાયોના શાંતિપૂર્ણ અસ્તિત્વમાં વિશ્વાસ કરું છું.
બાંગ્લાદેશમાં ચાલી રહેલા તણાવનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે પડોશી દેશમાં અશાંતિ વચ્ચે, તેમની સરકારના પ્રયાસોએ પશ્ચિમ બંગાળમાં શાંતિ અને સુમેળ સુનિશ્ચિત કર્યો છે. મેં એક વીડિયો ક્લિપ જોઈ, જેમાં એક નેતા પોતાના ભાષણમાં વારંવાર મારા પિતા પર નિશાન સાધી રહ્યા છે કે, શું આ મમતા બેનર્જીના પિતાની સંપત્તિ છે? હા મારા પિતા પાસે સંપત્તિ હતી. પરંતુ તેમાંથી મેં કંઈ જ લીધું નથી. ઉલ્લેખનીય છે, મુખ્યમંત્રીએ તે નેતાની ઓળખ જાહેર કરી ન હતી.
ભાજપ પર નિશાન સાધતાં બેનર્જીએ કહ્યું કે, ધર્મ એ અંગત મામલો છે. તે કોઈ વસ્તુ નથી, જેનો વેપાર થઈ શકે. તમે ધર્મ વેચી રહ્યા છો, અમે વેચતા નથી. ભાજપના ધારાસભ્યો મારો સામનો કરવાથી ડરે છે. જ્યારે પણ હું બોલું છું, ત્યારે તેઓ ગૃહની બહાર નીકળી જાય છે.