Last Updated on by Sampurna Samachar
ચૂંટણી પરિણામ આવે તે પહેલા પાર્ટીઓનો આક્ષેપ – પ્રતિ આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠકો પર ચૂંટણીનું મતદાન પૂર્ણ થવા છતાં રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યો છે. ત્યારે 8 ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, તે પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ચોંકાવનારો દાવો કર્યો છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘ભાજપે ઓપરેશન લોટસ પર કામ શરૂ કરી દીધું છે. ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કેટલાકને ખરીદવામાં નિષ્ફળ ગયા છે. તેઓ નાણાં અને તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપે દિલ્હીમાં અમારા બે મંત્રીઓને ખરીદવાનો પ્રયાસ કર્યો છે. અમે તમામ સંઘર્ષો કર્યા બાદ દિલ્હીને બચાવ્યું છે.’
સંજય સિંહે કહ્યું કે, ‘અમારા અનેક ધારાસભ્યોએ અમને માહિતી આપી છે કે, ભાજપે આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોને ૧૫-૧૫ કરોડ રૂપિયામાં પાર્ટી છોડવાનો, પાર્ટી તોડવાનો અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની ઓફર આપી છે. તેઓએ એક-બે ધારાસભ્યોને રૂબરૂ મળીને પણ ઓફર આપી છે. તેઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ સરકાર બનાવવાની વાત કરી રહ્યા છે.’
ભાજપના ઓપરેશન લોટ્સ બાદ ચૂંટણી લડી રહેલા અમારા ધારાસભ્યોને અમે એલર્ટ કર્યા છે. અમે તમામને કહ્યું છે કે, આવા કૉલ આવે તો રેકોર્ડિંગ કરજો. પછી તેની ફરિયાદ કરવામાં આવશે. જો કોઈ તમારી સાથે મુલાકાત કરી ઓફર આપે તો હિડન કેમેરો લગાવી વીડિયો બનાવજો. આ અંગેની સૂચના મીડિયા અને તમામને અપાશે. અમે અમારા તમામ ધારાસભ્યોને એલર્ટ કરી દીધા છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘બે બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે, એક ભાજપે પરિણામ પહેલા હાર સ્વિકારી લીધી છે, તેઓ ખરાબ રીતે હારવાના છે. બીજી વાત એ કે, ભાજપે ખરીદવાની દેશભરમાં જે રીત અપનાવી છે, તેવું દિલ્હીમાં પણ શરૂ કરી દીધું છે. તેઓ ધારાસભ્યોને તોડવા માટે નાણાંનો ઉપયોગ અને દબાણ કરવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે.’