કેજરીવાલે ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવવાનો આરોપ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે દાવો કર્યો કે, મારા મત વિસ્તાર એટલે કે, નવી દિલ્હી બેઠક પર ભાજપ ૧૫ ડિસેમ્બરથી ઓપરેશન લોટસ ચલાવી રહી છે. અરવિંદ કેજરીવાલે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, નવી દિલ્હીમાં ૧,૦૬,૦૦૦ હજાર મત છે. જેમાંથી જો ૫ ટકા મત તેઓ ડિલીટ કરાવી રહ્યા છે અને સાડા સાત મત જોડી રહ્યા હોય તો પછી ચૂંટણી કરાવવાની જરૂર શું છે? આ તો ખુલ્લેઆમ ગુંડાગીરી છે.
કેજરીવાલે દાવો કર્યો કે, ભાજપ હાલ મતદાતાઓના નામ ડિલીટ કરી રહી છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ૨૯ ઓક્ટોબરથી ૧૪ ડિસેમ્બર સુધી ૯૦૦ મતદાતાઓના નામ કમી કરાવવાની અરજી આવી છે. ૧૫ ડિસેમ્બરથી આજ સુધી ૫ હજાર વોટ ડિલીશન માટે આવ્યા. ૧૯ ડિસેમ્બર એટલે એક દિવસમાં દોઢ લાખ મતદાતાઓના નામ ડિલીશન માટે આવ્યા. અરવિંદ કેજરીવાલે કહ્યું, જે લોકો મતદાતાનું નામ કાપવાની અરજી કરે છે તે કોણ છે અને કોના ઈશારા પર કામ કરી રહ્યા છે?
વળી, મતદાતાઓના નામ ઉમેરવાના મામલે કહ્યું કે, જ્યારે ચૂંટણી પંચે બે મહિના સુધી ઘરે-ઘેર જઈને મતદાતાની યાદી બનાવી છે તો હવે ૧૫ દિવસમાં ૧૦ હજાર મતદાતાઓ ક્યાંથી આવી ગયા ? ભાજપ બહારથી લોકો લાવી રહી છે, જેના નકલી વોટર કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ કેજરીવાલે અધિકારીઓને ચેતવણી આપી અને કહ્યું કે, તમારા પર દબાણ વધવાનું છે. પરંતુ, કોઈપણ ખોટું કામ કરતાં હેલાં વિચારી લેજો કે, આજ નહીં તો કાલે સરકાર બદલાશે પરંતુ ફાઇલ અને તમારી સહી એ જ રહેશે. કોઈ કોઈને નહીં પૂછે કે, કોના કહેવા પર કર્યું હતું, આખરે તમે પકડાઈ જશો.
કેજરીવાલે કહ્યું, ભાજપ ૧૫ ડિસેમ્બરથી ચૂંટણી જીતવા માટે ત્રણ રીત અપનાવી રહી છે. પહેલું મત કાપો, બોગસ મત ઉમેરો અને ત્રીજુ લોકોમાં પૈસા વહેંચો. આ લોકો ખુલ્લેઆમ પૈસા વહેંચે છે. દેશે છેલ્લા ૭૦ વર્ષોમાં આટલી બેશર્મી અને નગ્નતા નહીં જોઈ હોય. લોકો પણ કહી રહ્યા છે કે, અમે પૈસા તો લઈ લઈશું પણ મત આમ આદમી પાર્ટીને આપીશું.