Last Updated on by Sampurna Samachar
પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલને પ્રથમ વિદેશી સમર્થન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ તાજેતરમાં આપેલા નિવેદનો ભારતની વૈશ્વિક સ્થિતિ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વ પર મહોર મારે છે. પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાન, વ્લાદિસ્લાવ બાર્ટોશેવસ્કીએ એક મોટો દાવો કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા અટકાવ્યું હતું. તેમના મતે, ૨૦૨૨ ના અંતમાં, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી અને તેમને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું ટાળવા માટે સમજાવ્યા હતા.

વિશ્વ મંચ પર ભારતનું કદ સતત વધી રહ્યું છે, જેનો તાજો પુરાવો પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીના નિવેદનોમાં જોવા મળ્યો છે. તેમણે ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધમાં ચીનની ભૂમિકા સુધીના અનેક મહત્વના મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.
આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું ભારત
પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાન, વાલાદિસ્લાવ બાર્ટોશેવસ્કીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય ભૂમિકાની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન, વડા પ્રધાન મોદીએ મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો હતો, જેનાથી પરિસ્થિતિ વધુ બગડતી અટકાવી હતી. બાર્ટોશેવસ્કીએ દાવો કર્યો હતો કે ૨૦૨૨ ના અંતમાં, વડા પ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સીધી વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન, પીએમ મોદીએ રશિયાને યુક્રેનમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાથી પાછળ હટવા માટે સમજાવ્યું. પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાનના મતે, આ વડાપ્રધાન મોદીની અત્યંત સકારાત્મક અને જવાબદાર વૈશ્વિક ભૂમિકાનું ઉદાહરણ છે.
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલને પ્રથમ મોટું વિદેશી સમર્થન આપતા તેમણે જણાવ્યું કે, “ટ્રેડ ડીલ ન હોવા કરતાં હોવી તે વધુ સારું છે.” તેમણે ટેરિફ અંગે સ્પષ્ટતા કરી કે તે સમૃદ્ધિ નથી લાવતી. ભારત-અમેરિકા વચ્ચેની સમજૂતી અપેક્ષા કરતા ઘણા નીચા ટેરિફ સાથે થઈ છે, જે આવકારદાયક છે.
નાયબ વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. તેમણે પીએમ મોદીને ફેનોમેનલ અને કરિશ્માઈ નેતા ગણાવતા કહ્યું: “વડાપ્રધાન મોદીએ ભારતને નાટકીય રીતે બદલી નાખ્યું છે. ભારત ઈકોનોમી દ્રષ્ટીએ ઘણો પાછળ હતો, આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.” તેમણે ઉમેર્યું કે, “તમે નસીબદાર છો કે તમને આવા વડાપ્રધાન મળ્યા છે.”
તેમણે કહ્યું કે આજે વિશ્વમાં ભારત જે ભૂમિકા ભજવે છે તેને અવગણી શકાય નહીં. પોલેન્ડ ભારત સાથેના તેના સંબંધોને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે અને ભારતને એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે જુએ છે. ભારત સાથે પોલેન્ડના સૌહાર્દપૂર્ણ સંબંધોની ચર્ચા કરતા બાર્ટોસ્ઝેવસ્કીએ કહ્યું, “ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે અને અમે વિશ્વમાં ભારતની ભૂમિકાને ઓળખીએ છીએ.”