મોડી રાત્રે આગ લાગી ત્યારે શોરૂમ બંધ હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના બેંગલુરુમાં મહાદેવપુરા પાસે એક બાઈકના શોરૂમમાં ભયંકર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૫૦થી વધુ ટુ-વ્હિલર્સ વાહનો સળગીને ખાખ થઈ ગયા છે.
પોલીસના જણાવ્યા મુજબ શો રૂમમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં અનેક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવી લીધો હતો. અધિકારીઓએ કહ્યું કે, મોડી રાત્રે આગ લાગી ત્યારે શોરૂમ બંધ હતો. સ્થાનિક રહેવાસીઓએ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતા જોઈ તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. અગાઉ નવેમ્બર-૨૦૨૪ માં બેંગલુરુના નવરંગ બાર જંક્શન પાસે ડૉ.રાજકુમાર રોડ પર એક ઈલેક્ટ્રીક બાઈકના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટના ૨૦ વર્ષિક એક મહિલાનું મોત થયું હતું અને એક અન્ય વ્યક્તિને ઈજા થઈ હતી.
રિપોર્ટ મુજબ મૃતક પ્રિયા નામની મહિલા એમવાય ઈવીમાં એકાઉન્ટન્ટની કામગીરી કરતી હતી. પ્રિયા ૨૦ નવેમ્બરે પોતાનો ૨૧મો જન્મદિવસ ઉજવવાની હતી. આ ઘટના રાજરાજેશ્વરી નગર પોલીસ સ્ટેશન પાસે લાગી હતી. વરિષ્ઠ ફાયર અને ઇમરજન્સી અધિકારીઓના જણાવ્યા મુજબ, ચાર્જિગ દરમિયાન ઈવી સ્કૂટરની બેટરીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને તે આખા શોરૂમમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન ૪૫ ઈલેક્ટ્રીક વ્હિકલ પણ સળગીને ખાખ થઈ ગયા હતા.