હત્યા બાદ શખ્સ પીન્યા પોલીસ સ્ટેશનમાં ચાકુ લઈને પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લુરુમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના ત્રણ સભ્યો પોતાની પત્ની, પુત્રી અને ભત્રીજીની હત્યા કરી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે હત્યારાની ઓળખ ૪૨ વર્ષીય ગંગારાજુ તરીકે થઈ છે. આરોપીએ ઘટનાને અંજામ આપ્યાના તાત્કાલિક બાદ પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું. તે ચાકુ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આરોપી હોમગાર્ડ તરીકે કામ કરી રહ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર આરોપીના ચાકુ લઈને પહોંચવા પર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો. પીન્યા પોલીસ સ્ટેશનમાં ચાકુ લઈને પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલ કરી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર જલાહલ્લી ક્રોસની પાસે ચોક્કાસંદ્રાના રહેવાસી આરોપીએ કથિત રીતે પોતાની પત્ની ભાગ્યા (૩૬), પુત્રી નવ્યા (૧૯) અને ભત્રીજી હેમવતી (૨૩) ની હત્યા કરી દીધી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં તહેનાત ગંગારાજુએ હત્યાઓનો રિપોર્ટ કર્યા બાદ સાંજે ૪ વાગ્યાની આસપાસ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ પર ફોન કર્યો. જ્યારે પોલીસની ટીમ તેના નિવાસ સ્થાને પહોંચી તો તેમને ખૂનથી લથપથ મૃતદેહ પડેલા મળ્યા. જોકે , ગંગારાજુ ઘટનાસ્થળે નહોતો. તે પહેલા જ આત્મસમર્પણ કરવા માટે પોલીસ સ્ટેશન જઈ ચૂક્યો હતો.
તપાસ કર્તાઓનું માનવું છે કે આ ગુનો ઘરકંકાશના કારણે થયો છે. નાયબ પોલીસ કમિશનરે કહ્યું કે ‘ફોરેન્સિક ટીમોએ ઘરેથી પુરાવા એકઠા કર્યાં છે પરંતુ ચોક્કસ કારણની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. શરૂઆતના નિષ્કર્ષોથી જાણ થાય છે કે ગંગારાજુને પોતાની પત્ની પર શંકા હતી. જેના કારણે ઘણી વખત વિવાદ થતો હતો. જેમાં વિવાદ વધી ગયો અને ગુસ્સામાં આવીને તેણે કથિત રીતે ભાગ્ય પર હુમલો કરી દીધો. પોલીસે કહ્યું કે જ્યારે નવ્યા અને હેમવતીએ તેનો બચાવ કરવા માટે હસ્તક્ષેપ કર્યો તો તે પણ હુમલાનો શિકાર થઈ ગયા હતા.