સવારે ઘરકામ કરવાવાળા મકાને પહોચતા મળ્યા મૃતદેહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લુરુની આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એન્જિનિયરે તેની પત્ની અને બે બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. બેંગલુરુમાં ભાડાના ઘરમાં એન્જિનિયરનો પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટના લઈને સદાશિવનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો અનુપ કુમાર (ઉં.વ.૩૮) એક ખાનગી પેઢીમાં સોફ્ટવેર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો અને બેંગલુરુમાં તેની પત્ની રાખી (ઉં.વ.૩૫), ૫ વર્ષની પુત્રી અનુપ્રિયા અને ૨ વર્ષના પુત્ર પ્રિયાંશ સાથે રહેતો હતો. ત્યારે સવારે ઘરકામ વાળા આવ્યા ત્યારે અનુપ, તેની પત્ની અને બે બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અનુપ અને રાખીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરતા પહેલા તેમના બાળકોને ઝેર આપ્યું હતું. દંપતી કદાચ તેમના મોટા બાળકની તબિયત ખરાબ હોવાને કારણે સતત સંઘર્ષ કરી રહ્યા હતા. ઘરકામ કરનારાએ જણાવ્યું કે, અનુપ્રિયા ખાસ જરૂરિયાતો ધરાવતું બાળક હોવાથી માતા-પિતા તણાવમાં રહેતા હતા.
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, દંપતી ખુશ જણાતા હતા અને પોંડિચેરીની મુલાકાત લેવાની યોજના પણ બનાવી હતી. જેમાં તેમણે પેકિંગ પૂર્ણ થયું હતું. પરિવારે તેમના બાળકો માટે બે રસોઈયા અને એક સંભાળ રાખનાર સહિત ત્રણ વ્યક્તિઓને કામે રાખ્યા હતા. પરિવારના સામૂહિક આપઘાત મામલે કોઈ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી આવી નથી. જોકે, કયા કારણોસર પરિવારે આવું પગલું ભર્યું તેને લઈને સદાશિવનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.