અતુલ સુભાષે પોતાના નિવાસ્થાને આત્મહત્યા કરી અને ૨૪ પાનાની સુસાઈડ નોટ લખી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે નિકિતા સિંઘાનિયા, અતુલ સુભાષની સાસુ અને નિકિતાની માતા નિશા અને અતુલ સુભાષનો સાળો અને નિકિતા સિંઘાનિયાના ભાઈ અનુરાગની ધરપકડ કરી છે. નિકિતાની ગુરુગ્રામથી અને માતા અને ભાઈની અલ્હાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આ ત્રણેયને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાંથી ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
નિશા અને અનુરાગ પ્રયાગરાજમાં છુપાયેલા હતા. બેંગલુરુ પોલીસે માહિતી મળતાની સાથે જ બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, નિકિતાના કાકા સુશીલ સિંઘાનિયા હાલ ફરાર છે. પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે. જૌનપુર સહિત અનેક વિસ્તારોમાં સુશીલની શોધ ખોળ ચાલી રહી છે.
અતુલ સુભાષે ૯ ડિસેમ્બરે બેંગલુરુમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક કલાક કરતા વધુ લાંબો વીડિયો બનાવ્યો હતો. તેણે કહ્યું- મારા મૃત્યુ માટે પાંચ લોકો જવાબદાર છે. મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા, સાળો અનુરાગ, કાકા-સસરા સુશીલ અને રીટા કૌશિક. આ લોકોએ મને આત્મહત્યા કરવા મજબૂર કર્યો. છેલ્લા કેટલાક સમયથી મને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. હવે મૃત્યુ મારો છેલ્લો વિકલ્પ છે. અતુલે ૨૪ પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી.