નવા ખજાનચી તરીકે પ્રભતેજસિંહ ભાટિયાની નિમણૂક કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવજીત સૈકિયા BCCI ના નવા સચિવ તરીકે ચૂંટાયા છે, હવે તેઓ જય શાહનું સ્થાન લેશે. BCCI દ્વારા બોલાવવામાં આવેલી વિશેષ સામાન્ય બેઠક દરમિયાન સચિવ તરીકે સૈકિયાની નિમણૂકની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમના સિવાય નવા ખજાનચી તરીકે પ્રભતેજસિંહ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે. સૈકિયા અને પ્રભતેજને અનુક્રમે સેક્રેટરી અને ટ્રેઝરર પદ માટે બિનહરીફ નામાંકિત કરવામાં આવ્યા હતા. નોમિનેશન બાદ બંનેની નિમણૂક નિશ્ચિત હતી, જે ખાસ સામાન્ય સભા દરમિયાન કન્ફર્મ કરવામાં આવી હતી.
જય શાહે ૧ ડિસેમ્બરે ICC ના નવા અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ BCCI સેક્રેટરીનું પદ છોડી દીધું હતું. આવી સ્થિતિમાં BCCI ના પ્રમુખ રોજર બિન્નીએ બંધારણમાં પોતાના અધિકારોનો ઉપયોગ કરીને દેવજીત સૈકિયાને વચગાળાના સચિવનું પદ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે BCCI માં કોઈપણ પદ ખાલી થયાના ૪૫ દિવસની અંદર નવી નિમણૂક કરવી ફરજિયાત છે.ત્યારે દેવજીત સૈકિયા હવે જય શાહના સ્થાને નવા સચિવ બન્યા છે, તો બીજી તરફ આશિષ શેલારની જગ્યાએ પ્રભતેજસિંહ ભાટિયા આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પદ મળ્યા બાદ આશિષે ટ્રેઝરરનું પદ છોડી દીધું હતું. કોઈપણ રીતે, તેમણે ખજાનચી તરીકે તેમની બે ટર્મ પૂરી કરી હતી.
નવા સેક્રેટરી દેવજીત સૈકિયાનું પહેલું કામ એ હતું કે તેમણે BCCI પ્રમુખ રોજર બિન્ની સાથે ટીમ ઈન્ડિયાની સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પણ આ સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો.
કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક લગભગ ૨ કલાક સુધી ચાલી હતી, જેમાં ખાસ કરીને ટેસ્ટ મેચોમાં ભારતના પ્રદર્શનને લઈને ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. દેવજીત સૈકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને આસામથી આવે છે. તેમણે ૧૯૯૦ થી ૧૯૯૧ ની વચ્ચે કુલ ૪ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તે વિકેટકીપર તરીકે રમ્યા હતા. આ ૪ મેચમાં તેણે ૫૩ રન બનાવ્યા અને વિકેટકીપર તરીકે ૯ ડિસમિસલ પોતાના નામે કર્યા.