Last Updated on by Sampurna Samachar
IPL ની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ આપી સજા
ગુજરાતના બોલરોએ કર્યુ હતુ શાનદાર પ્રદર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ટાઇટન્સે તાજેતરમાં રમેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૨૦ બોલ બાકી રહેતા ૭ વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને IPL ની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના ૨૫ ટકા દંડ અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. BCCI અનુસાર, ઈશાંત શર્માએ લેવલ ૧ નો ગુનો સ્વીકાર્યો છે, જે આચાર સંહિતાની કલમ ૨.૨ હેઠળ આવે છે.
ઈશાંત શર્મા (ISHANT SHARMA) એ મેચ રેફરીએ આપેલી સજા સ્વીકારી લીધી છે. લેવલ ૧ કેસમાં, મેચ રેફરીનો ર્નિણય અંતિમ અને બંધનકર્તા હોય છે. IPL ના નિયમો અનુસાર, નિયમ ૨.૨ મેચ દરમિયાન ક્રિકેટના સામાન અથવા કપડાં, મેદાનના સાધનો અથવા અન્ય વસ્તુઓના દુરુપયોગ સાથે સંબંધિત છે. ઈરાદાપૂર્વક અથવા બેદરકારીપૂર્વક કરવામાં આવેલ કોઈપણ કૃત્ય જેમ કે જાહેરાતના બોર્ડ, ડ્રેસિંગ રૂમના દરવાજા, બારીઓ અને અન્ય ફિક્સર અને ફિટિંગને નુકસાન પહોંચાડવું. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે શું કર્યું હતું જેના માટે આ સજા મળી છે.
ગુજરાત ટાઇટન્સે સતત ત્રીજી મેચ જીતી
બીજી તરફ ગુજરાત ટાઇટન્સે આ જીત સાથે સતત ત્રીજી મેચ જીતી અને IPL ૨૦૨૫ના પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન કબજે કર્યું છે. તેણે હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું. આ મેચમાં ગુજરાતના બોલરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મોહમ્મદ સિરાજે ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી જે IPL માં તેનું અત્યાર સુધીનું સવર્શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર ૧૫૨ રન પર જ સિમિત રહી હતી. જોકે, આ મેચમાં ઈશાંત શર્માનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તેણે ૪ ઓવરમાં ૫૩ રન આપ્યા અને કોઈ વિકેટ લઈ શક્યો નહીં.