Last Updated on by Sampurna Samachar
વરસાદને કારણે મેચ પૂર્ણ કરવી મુશ્કેલ બની હોત
કોલકાતામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ની આ સિઝનની ફાઇનલ મેચ શરૂઆતમાં કોલકાતાના પ્રખ્યાત ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાવાની હતી. જ્યારે ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર થયું, ત્યારે બધાને લાગ્યું કે ફાઇનલ ત્યાં જ યોજાશે. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે IPL બંધ કરી દેવામાં આવી. બાદમાં સ્થિતિ સામાન્ય થતાં જ BCCI એ એક નવું શેડ્યૂલ જાહેર કર્યું. આ નવી યોજનામાં પ્લેઓફ મેચોના સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જ્યારે ખબર પડી કે ફાઇનલ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે ત્યારે બધાને આશ્ચર્ય થયું. કોલકાતાના ક્રિકેટ (CRICKET) ચાહકો માટે આ સમાચાર ખૂબ જ નિરાશાજનક હતા. પહેલા તેમની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી, અને હવે ફાઈનલ મેચ પણ તેમના શહેરમાંથી ખસેડવામાં આવી હતી. આ ર્નિણય અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ BCCI એ પાછળથી આનું કારણ સ્પષ્ટ કર્યું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે લેવાયો નિર્ણય
જોકે, ૩ જૂનની રાત્રે કોલકાતામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદ રાત્રે ૯ વાગ્યાથી લગભગ ૧ વાગ્યા સુધી ચાલુ રહ્યો. હવામાનની આગાહી પણ એવી હતી કે તે દિવસે વરસાદની શક્યતા છે. જો ફાઇનલ મેચ કોલકાતામાં હોત તો વરસાદને કારણે મેચ પૂર્ણ કરવી મુશ્કેલ બની હોત. તેનાથી વિપરીત અમદાવાદમાં વરસાદની સંભાવના માત્ર ૩ ટકા હતી અને ત્યાં વરસાદ પડ્યો ન હતો. તેથી મેચ સમયસર પૂર્ણ થઈ શકી.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે આ ર્નિણયમાં કોઈ રાજકારણ સામેલ નથી. તેમણે કહ્યું કે મેચને કોલકાતાથી અમદાવાદ ખસેડવાનો ર્નિણય ફક્ત હવામાનની માહિતીના આધારે લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદમાં ફાઇનલ રમાઈ રહી હતી ત્યારે કોલકાતામાં ભારે વરસાદ પડી રહ્યો હતો. તેથી ટુર્નામેન્ટના સફળ આયોજન અને મેચ સમયસર પૂર્ણ કરવા માટે આ ર્નિણય જરૂરી હતો.