Last Updated on by Sampurna Samachar
ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડે દરમિયાન શ્રેયસ અય્યર ઘાયલ
બેટ્સમેનની હાલતમાં સુધારો થઈ રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડે દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક હોસ્પિટલમાં છે.

આંતરિક રક્તસ્ત્રાવ થતાં ઐયરને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, અય્યરને આઈસીયૂમાંથી બહાર લાવવામાં આવ્યો છે. ૩૧ વર્ષીય બેટ્સમેનની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. BCCI એ ટીમના ડોક્ટરને તેની દેખરેખ માટે નિયુક્ત કર્યા છે.
શ્રેયસની ક્રિકેટમાં વાપસીનો સમય નક્કી નહીં
સિડની વનડે દરમિયાન શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચ તેણે બેકવર્ડ પોઈન્ટથી પાછળ ભાગતા પકડ્યો હતો. પરંતુ આ દરમિયાન બેલેન્સ ગુમાવવાને કારણે અય્યર પડી ગયો અને તેની પાંસળીમાં ઈજા થઈ હતી. આ ઘટના બાદ અય્યર મેદાન છોડી બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે આંતરિક રક્તસ્ત્રાવની સમસ્યા છે, જેના કારણે તેને આઈસીયુમાં દાખલ કરવો પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સ્વાસ્થ્યમાં સુધારના આધાર પર તેને બેથી સાત દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે. બ્લીડિંગને કારણે સંક્રમણ ફેલાતું રોકવા માટે આ જરૂરી છે. ટીમના ડોક્ટર અને ફિઝિયોએ કોઈ જોખમ ન ઉઠાવ્યું અને તેને તત્કાલ હોસ્પિટલ લઈ ગયા. હવે તેની હાલત સ્થિર છે, પરંતુ આ જીવલેણ સાબિત થઈ શક્યું હોત.
સૂત્રએ આગળ કહ્યું કે તે એક શાનદાર ખેલાડી છે અને જલ્દી ઠીક થઈ જશે. જોકે આંકરિક રક્તસ્ત્રાવ થયો છે, તેથી તેને ઠીક થવામાં વધુ સમયની જરૂર પડશે. ક્રિકેટમાં તેની વાપસી માટે કોઈ સમય નક્કી કરવો મુશ્કેલ છે. જોકે અય્યર ત્રણ સપ્તાહ સુધી બહાર રહી શકે છે, પરંતુ તેની રિકવરીનો સમયગાળો લાંબો હોઈ શકે છે.
 
				 
								