Last Updated on by Sampurna Samachar
ટીમ ઇન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાંથી ચાર લોકોની કરાઇ હકાલપટ્ટી
એક તો કોચ ગૌતમ ગંભીરનો ખાસ હોવાનુ જાણવા મળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૫ માં ભારતીય ટીમના નિરાશાજનક પર્ફોર્મન્સ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સપોર્ટિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાંથી ચાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. જેમાં ગંભીરના અત્યંત નજીકના ગણાતા આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને પણ હાંકી કાઢવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્ડિંગ કોચ, સ્ટ્રેન્થ અને કંડિશનિંગ કોચ તથા એક મસાજરને પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
હેડ કોચ ગૌતમ ગંભીરના અત્યંત ખાસ અભિષેક નાયર કોલકાતા નાઈટ રાઈડર્સના દિવસોથી ગંભીર સાથે જોડાયેલો હતો. ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બન્યો તો અભિષેક નાયરને આસિસ્ટન્ટ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. તે ૨૪ જુલાઈ, ૨૦૨૪ થી ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ તરીકે કામ કરી રહ્યો હતો. અભિષેક અને ગંભીરની મિત્રતા ચર્ચામાં હતી.
ઘણાં ખરા લોકોને કાયમી રજા આપવામાં આવી
અભિષેક નાયર ઉપરાંત ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં ફિલ્ડિંગ કોચ ટી. દિલિપ સ્ટ્રેન્થ અને કંડિશનિંગ કોચ સોહમ દેસાઈની પણ દૂર કરવામાં આવ્યા છે. મસાજર (ફિઝિયો સપોર્ટ સ્ટાફ)ને પણ કાયમી રજા આપવામાં આવી છે. જોકે, તેના નામની જાહેરાત થઈ નથી.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે ૯ જુલાઈ, ૨૦૨૪ માં કાર્યભાર સંભાળ્યા બાદથી ગૌતમ ગંભીરનો કોચિંગ સ્ટાફમાં દબદબો છે. ગંભીરે પોતાના કોચિંગ સ્ટાફમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલા તેના અંગત લોકોને ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં સામેલ કર્યા હતા. જેમાં અભિષેક નાયર, રેયાન ટેન ડોશેટ અને મોર્ને મોર્કેલ સામેલ હતા. જેમાં નાયરનો ટીમ ઈન્ડિયા સાથેનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે.
ન્યૂઝીલેન્ડ સામે સ્થાનિક ટેસ્ટ સીરિઝમાં શર્મજનક ૦-૩ની હાર બાદ ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો સંઘર્ષ જોવા મળ્યો હતો. BCCI એ આ વર્ષની શરૂઆતમાં જ NCA ના કોચ સિતાંશુ કોટકની વ્હાઈટ બોલ માટે બેટિંગ કોચ તરીકે નિમણૂક કરી હતી. કોટક ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સીરિઝમાં ટીમ ઈન્ડિયા સાથે જાAડાયો હતો. સપોર્ટિંગ સ્ટાફમાં ગંભીર અને તેની કોચિંગ ટીમે આકર્ષક કમબેક કરી ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો. નાયર, ટેન ડોશેટ, મોર્કેલ, દિલીપ અને કોટક તમામ સપોર્ટિંગ સ્ટાફના ટોચના સભ્ય હતાં. જેમાં નાયરની ઘરવાપસી કરવામાં આવી છે.
ટીમ ઈન્ડિયાને ૨૦ જૂન પહેલાં નવો સપોર્ટિંગ સ્ટાફ મળશે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ૨૦ જૂનથી શરૂ થનારી પાંચ મેચની સીરીઝ પહેલાં ટીમ ઈન્ડિયા માટે નવા સપોર્ટિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, BCCI અભિષેક નાયર અને ટી દિલિપનું સ્થાન કોણ લેશે.