Last Updated on by Sampurna Samachar
ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી
જો ભારત તે મેચ જીતશે તો સિરીઝ પર કબજો જમાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ કૈરારાના હેરિટેજ બેંક સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ૪૮ રનથી જીત મેળવી છે. આ જીત સાથે હવે સિરીઝમાં ભારતે ૨-૧થી સરસાઈ મેળવી લીધી છે.

હવે છેલ્લી મેચ ૮ નવેમ્બરે રમાશે. જો ભારત તે મેચ જીતશે તો સિરીઝ પર કબજો જમાવી લેશે. આ મેચમાં ટોસ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે જીત્યો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયા સામે ૧૬૮ રનનો ટાર્ગેટ રાખ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાની ટીમ ચેઝ ન કરી શકી અને ૧૧૯ રન પર ઓલઆઉટ થઈ ગઈ.
ભારતીય બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની શરૂઆત મેથ્યુ શોર્ટ અને મિચેલ માર્શે કરી. બંનેએ શાનદાર શરૂઆત કરી. પરંતુ પાંચમી ઓવરમાં અક્ષર પટેલે શોર્ટની વિકેટ ઝડપી. શોર્ટ ૨૫ રન બનાવીને આઉટ થયો. નવમી ઓવરમાં અક્ષરે ફરી ઓસ્ટ્રેલિયાને એક ઝટકો આપ્યો અને ઇંગ્લિશ આઉટ થઈ ગયો. ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૬૭ રન હતો. દસમી ઓવરમાં શિવમ દુબેએ કેપ્ટન માર્શની વિકેટ ઝડપી.
માર્શ ૩૦ રન બનાવીને આઉટ થયો. બારમી ઓવરમાં શિવમ દુબેએ ટિમ ડેવિડની વિકેટ લીધી. ડેવિડ ૧૪ રન બનાવીને ચાલ્યો ગયો. ત્યારબાદ ૧૪મી ઓવરમાં અર્શદીપે ફિલિપની વિકેટ ઝડપી લીધી. ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૯૮ રન હતો. ૧૫મી ઓવરમાં વરુણે ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો અને મેક્સવેલને બોલ્ડ કર્યો.
ત્યારબાદ ૧૭મી ઓવરમાં સુંદરે સ્ટોઇનિસને આઉટ કર્યો. આગલી જ બોલ પર તેણે બાર્ટલેટની પણ વિકેટ ઝડપી લીધી. ૧૮મી ઓવરમાં બુમરાહને પહેલી સફળતા મળી. જ્યારે તેણે ડ્વાર્શુઇસને બોલ્ડ કર્યો. છેલ્લી વિકેટ પણ સુંદરે જ લીધી. ભારતીય બોલરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. અક્ષર પટેલને ૧ તો શિવમ દુબેને પણ ૨ સફળતા મળી. જ્યારે સુંદરે ૩ વિકેટ ઝડપી, જ્યારે અર્શદીપ, વરુણ અને જસપ્રીત બુમરાહને ૧-૧ સફળતા મળી.
આ મેચમાં અભિષેક શર્મા અને શુભમન ગિલે ભારત માટે ઇનિંગની શરૂઆત કરી હતી. મેચની પહેલી જ ઓવરમાં, ઝેવિયર બાર્ટલેટે બેન ડ્વારશુઇસના બોલ પર અભિષેક શર્માનો કેચ છોડી દીધો. ત્યારબાદ અભિષેકે ૨૬ રન બનાવ્યા, પરંતુ સાતમી ઓવરમાં એડમ ઝામ્પાએ તેને આઉટ કર્યો. ૧૦ ઓવર પછી, ભારતનો સ્કોર ૭૫-૧ હતો.
ભારતને ૧૨મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો જ્યારે શિવમ દુબે ૨૨ રન બનાવીને આઉટ થયો. ભારતનો સ્કોર ત્યારે ૮૮ રન હતો. દુબેએ તેની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી. ભારતને ૧૫મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે શુભમન ગિલ ૪૬ રન બનાવીને આઉટ થયો. ભારતને ૧૬મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન સૂર્યા ૨૦ રન બનાવીને આઉટ થયો.
તિલક વર્મા ૧૭મી ઓવરમાં ૫ રન બનાવીને આઉટ થયો. જીતેશે પણ ૩ રન બનાવીને તેનું અનુકરણ કર્યું. ૧૯મી ઓવરમાં સુંદર ૧૨ રન બનાવીને આઉટ થતાં ભારતને સાતમી વિકેટ ગુમાવવી પડી. અંતિમ ઓવરમાં અર્શદીપે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૬૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ગોલ્ડ કોસ્ટ ટી૨૦માં ભારતની પ્લેઇંગ-૧૧: શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટ કીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
ગોલ્ડ કોસ્ટ ટી૨૦માં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-૧૧: મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જાેશ ઇંગ્લિસ (વિકેટ કીપર), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્શુઇસ, જેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝામ્પા