Last Updated on by Sampurna Samachar
૮૭ રન ફટકારી જયસ્વાલે ૫૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
પહેલા આ રેકોર્ડ સુધીર નાઈકના નામે હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ઓપનર તરીકે બર્મિંગહામના એજબેસ્ટનમાં સૌથી મોટો સ્કોર બનાવીને ઈતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ તેણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે હાંસલ કરી. ભારત આ મેચમાં લીડ્સના હેડિંગ્લેમાં મળેલી પાંચ વિકેટની હારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૨૩ વર્ષીય ડાબોડી બેટ્સમેન જયસ્વાલે ૧૩ ચોગ્ગાની મદદથી ૧૦૭ બોલમાં ૮૭ રન બનાવ્યા. લંચ પછીના સત્રમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તેને આઉટ કર્યો.
આ પહેલા આ રેકોર્ડ સુધીર નાઈકના નામે હતો, તેણે જુલાઈ ૧૯૭૪માં ઈંગ્લેન્ડના કેપ્ટન માઈક ડેનેસ સામે ૧૬૫ બોલમાં ૭૭ રન બનાવ્યા હતા. જયસ્વાલ પાસે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦૦૦ રન પૂરા કરનાર ભારતીય બનવાની તક હતી, પરંતુ તે થોડા અંતરથી ચૂકી ગયો. જો તે બીજી ઈનિંગમાં ૧૦ રન બનાવે, તો તે વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી શકે છે, જેમણે ૪૦ ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
જયસ્વાલે ચાર સરળ કેચ છોડી દીધી હતી
પહેલી ટેસ્ટમાં જયસ્વાલે ૧૫૯ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૦૧ રન બનાવ્યા હતા. તે ઈનિંગમાં પણ તેને બેન સ્ટોક્સે જ આઉટ કર્યો હતો. જોકે, બીજી ઈનિંગમાં તે માત્ર ૪ રન બનાવીને બ્રાયડન કાર્સના બોલ પર આઉટ થઈ ગયો હતો. લીડ્સ ટેસ્ટ દરમિયાન જયસ્વાલે ચાર સરળ કેચ છોડી દીધી હતી, જેની મેચ પર મોટી અસર પડી. આવી સ્થિતિમાં તે આ ટેસ્ટમાં બેટિંગની સાથે-સાથે ફિલ્ડિંગમાં પણ સુધારો કરવાનો પ્રયાસ કરશે.