આ કેસમાં કુલ ૧૧ લોકોની સંડોવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં. જેમાં અમુક અસમાજિક તત્વો દ્વારા છરી અને તલવારથી દાદાગીરી કરતાં જોવા મળ્યા હતાં. જે પોલીસને આ હથિયારો બતાવી ભગાડતા દેખાતા હતાં. આ ઘટના બાદ સિસ્ટમે ત્રણ શખસ ફઝલ, અલ્તાફ અને મહેફુસને મેટ્રોપોલિન કોર્ટમાં ૧૪ દિવસની રિમાન્ડની માંગ કરી હતી. જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસે આરોપી વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ તમામ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાંથી આરોપી ફઝલ સામે ૧૬ ગુના અને ૨ વાર પાસ તેમજ એક વખત તડીપાર પણ કરવામાં આવ્યો છે. આ સિવાય આરોપી અલ્તાફ સામે કુલ ૩ ગુના નોંધાયેલા છે અને પાંચ વખત પાસા થયેલા છે. ત્રીજા આરોપી મહેફુઝ સામે ત્રણ ગુના નોંધાયેલા છે અને તેને પણ એક વખત પાસા થયેલ છે.
સમગ્ર મામલે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે, કેસમાં કુલ ૧૧ લોકોની સંડોવણી છે અને તેમાંથી ૬ આરોપીઓના નામ સામે આવ્યા છે. આ છ આરોપીમાંથી ૩ ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપી પાસે રહેલાં હથિયારોની જપ્તી કરવાની બાકી છે. હાલ, તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે, પરંતુ તેમાંથી કોઈએ હજુ સુધી તેમના સહ-આરોપીઓની માહિતી પોલીસને આપી નથી.
સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલે દલીલ કરી હતી ગકે, આરોપીઓ ૨૪ કલાક પોલીસ કસ્ટડીમાં હતાં, તેઓએ પોલીસ તપાસમાં પણ પૂરતો સહયોગ આપ્યો છે. બીજા આરોપીઓને પકડવા વર્તમાન આરોપીઓવી ફિઝિકલ હાજરી જરૂરી નથી. તેમજ આરોપીઓને હાલ પહેલાંના ગુના માટે રિમાન્ડ ન આપી શકાય. અંતે કોર્ટે બંને પક્ષને સાંભળી ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.