પોલીસે હવે દરેકને કાયદાનું ભાન કરાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના રખિયાલ તેમજ બાપુનગર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં આ આરોપીઓએ જાહેરમાં પોલીસને પણ ધાકધમકી આપી હતી. જોકે પોલીસે હવે દરેકને કાયદાનું ભાન કરાવ્યું છે. જેમાં પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પોલીસે જાહેરમાં લોકોની વચ્ચે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. જેમાં લોકોને પોતાનો ખૌફ દેખાડતા આ આરોપીઓની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી હતી. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાની સાથે આરોપીઓએ સ્થાનિકોના હાથ જોડીને માફી પણ માગી હતી. આ સમયે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
આરોપીઓને લઈને ક્રાઈમ બ્રાન્ચ, બાપુનગર પોલીસ અને રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે જગ્યાએ આરોપીઓએ આતંક મચાવેલો ત્યાં પોલીસ આરોપીઓને લઈને પહોંચી હતી. જેમાં આરોપી ફઝલ શેખ, સમીર શેખ, અલ્તાફ શેખ અને મહેકૂઝ મિયાંને લઈને પોલીસ સ્થળ પર પહોંચી જ્યાં આરોપીઓએ હાથ જોડીને સ્થાનિક લોકો પાસેથી માફી પણ માંગી હતી.
ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓએ જાહેરમાં તલવાર સહિતના હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. જેમાં પોલીસની ગાડી જ્યારે પહોંચી ત્યારે પોલીસને પણ છરી બતાવીને ધાક ધમકી આપી હતી. સાથે જ પોલીસની ગાડીના કાચ પણ તોડ્યા હતા. જોકે સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ દરેક આરોપીઓની શાન ઠેકાણે લાવી દીધી છે.