૩ મહિના પહેલા ચોરી થઇ ને હવે પોલીસે તપાસ હાથ ધરી !!
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદમાં બેંકના લોકર પણ સુરક્ષિત નથી. બેંક ઓફ બરોડાના લોકરમાં મુકેલા દાગીના અને રોકડની ચોરી થયાનો કિસ્સો સામે આવતા ઉહાપોહ મચ્યો છે. સમગ્ર મામલામાં હાલ આણંદ LCB પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો. બેંકનો લોકરમાં ૩ મહિના પહેલા ચોરી થઈ હતી. અને પોલીસે છેક અત્યારે ગુનો નોંધતા આ તે કેવું તંત્ર તેમ સવાલ ઉઠ્યા છે.
લોકો મોટાભાગે બેંકના લોકરને વધુ સુરક્ષિત માને છે. અને સોના અને ચાંદી જેવી કિમંતી વસ્તુઓ લોકરમાં મૂકે છે. પરંતુ તાજેતરમાં આણંદમાં બનેલ બનાવે લોકોની ચિંતા વધારી છે. શહેરમાં બેંક ઓફ બરોડાની ચિખોદરા શાખાના લોકરમાંથી ચોરી થઈ. વઘાસીના વિપુલ કેસરિયાનું ચિખોદરની બેંક ઓફ બરોડામાં લોકર છે. તેમણે BOB ના લોકરમાંથી ૬૦ તોલા સોનું અને રોકડ રૂ.૧૦.૫૦ની તફડંચી થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો. અને આ લોકર તેમની જાણ બહાર જ ખોલાયું હોવાનું તેમણે પોલીસને માહિતી આપી. આણંદ ગ્રામ્ય પોલીસે ૩ મહિને ચોરીનો ગુનો નોંધ્યો અને LCB ને તપાસ સોપાઈ છે.
બેંક ઓફ બરોડા એ રાષ્ટ્રીય બેંક છે. અને રાજ્યમાં અનેક નાના મોટા શહેર તેમજ ગામડાંઓમાં તેની શાખાઓ છે. આણંદના ચિખોદરા ખાતે બેંકમાં ગ્રાહકોને લોકર સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ હાલમાં વિપુલ કેસરિયા નામના ગ્રાહકના બેંકના લોકરમાં મુકેલ દાગીના અને રોકડની ચોરી થતા મામલો ગરમાયો છે. જેમાં BOB ના લોકરમાં રાખેલ ૬૦ તોલા સોનું અને રોકડ રૂ.૧૦.૫૦ ની ચોરી થઈ હતી. . બેંક ઓફ બરોડાની ચિખોદરા શાખાના લોકરમાંથી ચોરી થયાની ઘટના બનતા અન્ય ખાતાધારકોની પણ ચિંતા વધી છે. અન્ય ખાતાધારકો આ કિસ્સા બાદ પોતાના બેંક લોકરમાંથી કિમંતી વસ્તુઓ લઈ જવા લાગ્યા છે.