Last Updated on by Sampurna Samachar
દાનપેટીમાં આવેલી રકમની ગણતરી વખતે સામે આવ્યો કિસ્સો
અગાઉ પણ ઘણી વખત મંદિરમાં ચોરી કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મથુરાના વૃંદાવનમાં પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ચોરીની ઘટનાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મંદિરને દાનમાં મળેલા પૈસા ગણવા આવેલો બેન્ક (BANK) નો કર્મચારી ચોરી કરતો રંગે હાથ ઝડપાઈ ગયો છે. બેંક કર્મચારી પાસેથી ૯ લાખ ૫૦ હજાર રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ચોરીની આ ઘટના CCTV માં પણ કેદ થઈ છે. મંદિર વહિવટકર્તા દ્વારા ચોરીની ઘટના અંગે બેંક કર્મચારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી બેંક કર્મચારી અભિનવ સક્સેનાની ધરપકડ કરી લીધી છે.
વાસ્તવમાં પ્રસિદ્ધ ઠાકુર શ્રી બાંકે બિહારી મંદિરમાં નિયમો મુજબ દર મહિને કોર્ટ દ્વારા નિમાયેલા અધિકારીઓની દેખરેખ હેઠળ દાનની પેટીઓ ખોલવામાં આવે છે. મંદિરમાં કુલ ૧૬ દાન પેટીઓ છે અને છેલ્લા ત્રણ દિવસથી તેને ખોલવાની અને તેમાંની રકમ ગણવાની કામગીરી ચાલી રહી હતી. જ્યાં કંટ્રોલ રૂમના કર્મચારીઓને આશંકા ગઈ કે, બેંક કર્મચારીઓ તેના કપડાંમાં કંઈક છુપાવી રહ્યો છે.
ચોર પાસેથી ૧.૮૮ લાખ મળી આવ્યા
દરમિયાન બેંક કર્મચારી પર આશંકા ગયા બાદ કંટ્રોલ રૂમના કર્મચારીઓએ તુરંત વહિવટીતંત્રને જાણ કરી હતી. ત્યારબાદ બાંકે બિહાર મંદિરના સંચાલક મનુશ શર્માએ CCTV ચેક કર્યા હતા. આ દરમિયાન રકમની ગણતરી કરી રહેલા અભિનવની તપાસ કરવામાં આવી તો તેની પાસેથી ૧.૮૮ લાખ મળી આવ્યા હતા. પછી મંદિરના સંચાલકે તુરંત પોલીસને જાણ કરી હતી.
પોલીસે બેંક કર્મચારીની કડકાઈથી પૂછપરછ કરતા લધુ ચોંકાવનારા ખુલાસા થયા હતા. પૂછપરછમાં અભિનવે કહ્યું કે, તેણે અગાઉ પણ ઘણી વખત મંદિરમાં ચોરી કરી હતી. ત્યારબાદ પોલીસે તેના ઘરમાંથી વધુ ૮ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. મંદિરના સંચાલકે કહ્યું કે, રામપુરાનો રહેવાસી અભિનવ સક્સેના કેનેરા બેંકમાં ફીલ્ડ ઓફિસર તરીકે કામ કરે છે. આરોપી પાસેથી ૨૦૦-૫૦૦ની નોટો મળી આવી છે. આરોપીની પત્ની છે અને તે મથુરાના અશોક સિટીમાં ભાડા પર રહે છે.