Last Updated on by Sampurna Samachar
એડવાઈઝરી કાઉન્સિલની બેઠકમાં કરી સ્પષ્ટતા
દેશના કટ્ટરપંથીઓએ યુનૂસ સરકારને વિવિધ મુદ્દે ઘેરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકારણમાં મુશ્કેલી આવી છે. વાત કરીએ તો બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ (Yunus) હવે પોતાના પદ પરથી રાજીનામું આપવાનું વિચારી રહ્યા હોવાની માહિતી મળી છે. તેમણે ઢાકામાં એડવાઈઝરી કાઉન્સિલની બેઠક દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં કામ કરવું તેમના માટે અશક્ય બનતું જાય છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની ચૂંટાયેલી લોકપ્રિય સરકારને ઉથલાવી દીધા બાદ યુનુસ વચગાળાની સરકારના વડા બન્યા હતા. પરંતુ હવે દેશના કટ્ટરપંથીઓએ તેમને પણ વિવિધ મુદ્દે ઘેરી લીધા છે અને તેઓ સત્તા છોડી શકે છે. આ માત્ર એક વ્યક્તિગત ર્નિણય નથી. પરંતુ તે બાંગ્લાદેશની આખી રાજકીય વ્યવસ્થાની નિષ્ફળતાને દર્શાવે છે, જ્યાં રાજકીય પક્ષો વચ્ચે ન્યૂનતમ સહમતી બનાવવી પણ મુશ્કેલ બની રહી છે. તેઓ પોતાને બંધક જેવું અનુભવે છે એ મતલબનું યુનુસનું આ નિવેદન બાંગ્લાદેશની અસ્થિરતા દર્શાવે છે.
યુનુસ મુશ્કેલીમાં આવી ગયા હોવાની ચર્ચા
અગાઉ યુનુસ સરકારે અમેરિકા સાથે મળીને બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર માનવીય કોરિડોર સ્થાપવાની યોજના બનાવી હતી. તેને કારણે પણ યુનુસ મુશ્કેલીમાં આવી ગયા હોવાનું સમજાય છે. આ ડીલ ગુપ્ત રીતે આગળ વધારવામાં આવી હતી, જેનાથી સૈન્ય પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાન નારાજ થયા હતા. તેમણે ડિસેમ્બર સુધી ચૂંટણીઓ યોજવાનું અલ્ટીમેટમ આપીને સરકારને ચેતવણી પણ આપી હતી.
આથી સ્પષ્ટ છે કે દેશની નાગરિક અને સૈન્ય વ્યવસ્થા વચ્ચે ભારે ટકરાવ છે, જે ભવિષ્ય માટે ખતરનાક સંકેત છે. મોહમ્મદ યુનુસ સામે માત્ર રાજકીય પક્ષો જ નહીં. પરંતુ વિદ્યાર્થી સંગઠનો અને સામાન્ય જનતા પણ નારાજ હોવાનું બહાર આવ્યું છે. વિરોધી પક્ષોએ આ વર્ષના અંત સુધી ચૂંટણીઓ યોજવાની માંગને લઈને રસ્તા પર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. મહફૂઝ આસિફ અને ખલીલુરરહમાન જેવા નેતાઓને સરકારમાંથી બહાર કાઢવાની માંગે આ વિરોધને વધુ હવા આપી છે. આથી સ્પષ્ટ છે કે જનતા અને રાજકીય સંગઠનો હવે હાલની સરકારથી સંપૂર્ણપણે અસંતુષ્ટ છે.
બાંગ્લાદેશની આ વચગાળાની સરકાર ગયા વર્ષે શેખ હસીનાના અચાનક ભારત ભાગી જવા અને તખ્તાપલટ બાદ રચવામાં આવી હતી. ત્યારથી યુનુસને દેશને સ્થિર રાખવાની અને કાયમી સરકારની રચના સુધીની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ એવું લાગે છે કે આ પ્રયોગ હવે નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યો છે.