મુંબઈ હુમલાના આતંકવાદીને સંપૂર્ણ કાયદાકીય મદદ કરી હતી ભારતે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્ર પ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. પવન કલ્યાણે કહ્યું કે, ભારતે મુંબઈ હુમલાના આતંકવાદીને સંપૂર્ણ કાયદાકીય મદદ કરી હતી, પરંતુ બાંગ્લાદેશમાં એક હિન્દુ સાધુને ન તો કાયદાકીય મદદ મળી રહી છે અને ન તો તેના કેસની ન્યાયી સુનાવણી થઈ રહી છે. વિશ્વને ચિન્મય કૃષ્ણ દાસ જેવા લોકો માટે બોલવાની જરૂર છે કારણ કે માનવતાનો આત્મા તેના પર ર્નિભર છે. પવન કલ્યાણે સ્યુડો-સેક્યુલરવાદીઓને સંબોધતાં કહ્યું કે, હવે તેમનો ગુસ્સો ક્યાં છે?
પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, બે એવા કિસ્સા છે જેમાંથી ન્યાય અને અન્યાય વચ્ચેનો તફાવત સમજી શકાય છે. પહેલો કેસ ભારતનો છે, જ્યાં ૨૦૦૮ના મુંબઈ હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. આ સમય દરમિયાન આતંકવાદી કસાબ રંગે હાથે ઝડપાયો હતો અને તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો, પરંતુ તેમ છતાં તેના કેસમાં સમગ્ર કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું અને તેને કાયદાકીય મદદ પણ આપવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી સજા મળ્યા બાદ તેને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની સુવિધા પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની દયાની અરજી પણ રાષ્ટ્રપતિને મોકલવામાં આવી હતી. તેને ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન સમગ્ર વિશ્વએ ભારતનું લોકતાંત્રિક માળખું અને તેની ધીરજ જોઈ.
બીજાે મામલો બાંગ્લાદેશનો છે, જ્યાં એક હિન્દુ સાધુની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચિન્મય કૃષ્ણ દાસે માત્ર બાંગ્લાદેશમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની સરકાર હેઠળ હિન્દુઓ પરના અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેમને ન તો કાનૂની મદદ મળી રહી છે કે ન તો ન્યાયી ટ્રાયલ. આવા સંજાેગોમાં સ્યુડો-સેક્યુલરવાદીઓ, માનવાધિકારના સ્વયં-ઘોષિત ચેમ્પિયન હવે કેમ ચૂપ છે? હવે તેમનો ગુસ્સો ક્યાં છે? શા માટે ન્યાયનો ચહેરો જુદી જુદી જગ્યાએ અલગ-અલગ હોય છે? પવન કલ્યાણે કહ્યું કે, વિશ્વને ચિન્મય કૃષ્ણ દાસ જેવા લોકો માટે બોલવાની જરૂર છે કારણ કે માનવતાનો આત્મા તેના પર ર્નિભર છે.મહત્ત્વપૂર્ણ છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર સત્તા પરથી હટી ગયા બાદ ત્યાં હિન્દુ સમુદાયના લોકો પર સતત હુમલા થઈ રહ્યા છે. ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે આ અંગે બાંગ્લાદેશ સરકાર સામે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ તેમ છતાં બાંગ્લાદેશ સરકાર લઘુમતીઓની સુરક્ષા માટે કડક પગલાં લઈ રહી નથી.