Last Updated on by Sampurna Samachar
વિદેશી ખેલાડીઓએ મેચ રમવા માટે ઇનકાર કરી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં રમાઈ રેહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL )માં એક વિચિત્ર ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા છે. દરબાર રાજશાહી ટીમના વિદેશી ખેલાડીઓએ ફ્રેન્ચાઇઝી દ્વારા સેલેરી ન આપવાના કારણે ઢાકામાં રંગપુર રાઈડર્સ સામે મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો. જેને લઈને દુનિયાભરમાં બાંગ્લાદેશની ફજેતી થઇ હતી.
એક અહેવાલ અનુસાર, વિદેશી ખેલાડીઓને તેમના બાકી રહેલી રકમની ચોથા ભાગની રકમ જ આપવામાં આવી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના નિયમાનુસાર ફ્રેન્ચાઇઝીએ ટુર્નામેન્ટ દરમિયાન કુલ રકમની ઓછામાં ઓછી ૭૫ ટકા રકમની ચૂકવણી કરવી ફરજિયાત છે.
દરબાર રાજશાહી ટીમમાં રયાન બર્લ, મોહમ્મદ હારિસ, માર્ક દેયાલ, મેગ્યુઅલ કમિન્સ, આફતાબ આલમ અને લાહીરુ સમરકૂન વિદેશી ખેલાડીઓ છે. સેલેરી ન મળવાના કારણે આ ખેલાડીઓએ રમવાનો ઇનકાર કરી દીધો હતો.
BCB ના નિયમાનુસાર દરેક ટીમને ઓછામાં ઓછા બે વિદેશી ખેલાડીઓ સાથે રમવું જરૂરી છે. પરંતુ રાજાશાહીની ટીમ સ્થાનિક ૧૧ ખેલાડીઓ સાથે રમવા માટે મેદાનમાં ઉતરી હતી. જે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું.
ટોસના સમયે ટીમના કેપ્ટન તસ્કીન અહેમદે જણાવ્યું હતું કે, ‘અમે ટીમમાં ફેરફાર કર્યો છે. અમારી પાસે કોઈ વિદેશી ખેલાડી નથી તો અમે બધા જ સ્થાનિક ખેલાડીઓ સાથે રમીશું.’ આ પછી પરત જ BCB એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ‘દરબાર રાજશાહી ટીમે વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ ન હોવાના કારણે રંગપુર રાઈડર્સ સામેની મેચમાં માત્ર સ્થાનિક બંગ્લાદેશી ખેલાડીઓ સાથે રમવાની BPL ટેકનિકલ કમિટી પાસેથી ખાસ મંજૂરી માટે અરજી કરી છે.
આ અરજીની સમીક્ષા કર્યા બાદ BPL ૨૦૨૪-૨૫ના મેચની શરતોની કલમ ૧.૨.૮ અનુસાર, ટેકનિકલ કમિટીએ દરબાર રાજશાહી ટીમને મેચમાં માત્ર બાંગ્લાદેશી ખેલાડીઓ સાથે રમવાની મંજૂરી આપી દીધી છે.’ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, અગાઉ સ્થાનિક ખેલાડીઓને પણ તેમના સેલેરીની બાકી રહેતી રકમ ન મળતા બે અઠવાડિયા પહેલા ચંટગાવમાં ટ્રેનિંગ છોડીને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું હતું.