વકીલ હાલમાં ICU માં જીવન માટે લડી રહ્યા છે લડાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં ચિન્મય દાસનો કેસ લડી રહેલા વકીલને લઈને ISKON કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, એક કાનૂની કેસમાં બાંગ્લાદેશી હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરી રહેલા એડવોકેટ રામેન રોય પર ‘ક્રૂર હુમલો’ થયો છે. દાસે દાવો કર્યો કે, રોયની એક માત્ર ભૂલ એ હતી કે તે ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ઈસ્લામવાદીઓના એક ગ્રુપે તેના ઘરમાં તોડફોડ કરી. તેઓ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલમાં તેઓ ICU માં પોતાના જીવન માટે લડાઈ લડી રહ્યા છે.
બાંગ્લાદેશમાં અશાંતિ ત્યારે શરૂ થઈ જ્યારે આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ૨૫ નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી અને ૨૫ ઓક્ટોબરે ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવા બદલ રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. ધરપકડ બાદ હિંસક અથડામણ થઈ હતી, જેમાં ૨૭ નવેમ્બરે ચટગાંવમાં વકીલ સાથેની જીવલેણ ઘટનાનો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને હોબાળો મચી ગયો છે. રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા ચિન્મય દાસને લઈને ISKON એ એક નિવેદન જારી કરીને એવા અહેવાલોને નકારી કાઢ્યા, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિન્મય દાસનો ISKON સંગઠન સાથે કોઈ સંબંધ નથી.
સંસ્થાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ઇસ્કોન ચિન્મય કૃષ્ણ દાસના અધિકારોનું સમર્થન કરે છે અને તેઓએ હિન્દુઓ-તેમના ધર્મસ્થાનોની સુરક્ષા માટે ચિન્મય દાસના શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાના અધિકારોથી પોતાને દૂર રાખ્યા નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે અન્ય તમામ સનાતની ગ્રુપ સાથે મળીને હિન્દુઓની સુરક્ષાને સમર્થન આપીએ છીએ અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ માટે શાંતિપૂર્ણ જીવનનું વાતાવરણ ફરીથી બનાવવાની હાકલ કરીએ છીએ.