Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશમાં ભારતને લઈને નકારાત્મક મોહોલ જોવા મળ્યો
બાંગ્લાદેશ હવે ભારતથી અંતર જાળવી પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરતાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં ભારતને લઈને નકારાત્મક મોહોલ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદા સલાહકાર આસિફ નઝરુલે વિજય દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ સામે વાંધો ઊઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧, બાંગ્લાદેશનો વિજય દિવસ હતો. ભારત આમાં સહયોગી હતું, તેનાથી વધુ કંઈ નથી.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મી ડિસેમ્બરે વિજય દિવસના અવસર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘આજે વિજય દિવસ પર, અમે તે બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ જેમણે ૧૯૭૧માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું. તેમનું નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પ આજનો દિવસ છે. તેમની બહાદુરી અને અડગ ભાવનાને શ્રદ્ધાંજલિ છે જે દેશની રક્ષા કરે છે અને આપણને ગર્વ આપે છે.’
વડાપ્રધાન મોદીની આ પોસ્ટને ભારતના જવાનોના બલિદાનની યાદ અપાવે છે. પરંતુ બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદા સલાહકાર આસિફ નઝરુલે આ પોસ્ટ સામે વાંધો ઊઠાવ્યો છે. તેમણે ફેસબુક પર લખ્યું કે, ‘હું PM મોદીની પોસ્ટનો સખત વિરોધ કરું છું. ૧૬મી ડિસેમ્બર ૧૯૭૧ એ બાંગ્લાદેશનો વિજય દિવસ હતો. આ જીતમાં ભારત સહયોગી હતું, તેનાથી વધુ કંઈ નહોતું.’ આ પોસ્ટની સાથે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
બાંગ્લાદેશ ભારતથી અંતર જાળવીને પાકિસ્તાન સાથે પોતાના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું લાગે છે કે નવું બાંગ્લાદેશ એ ઐતિહાસિક તથ્યોને ભૂલી રહ્યું છે જેમાં ૧૯૭૧ના યુદ્ધમાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ એ જ સમય હતો જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનના અત્યાચારોથી આઝાદી મેળવી હતી.