Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઇ મોટો ખુલાસો થતાં પશ્ચિમ બંગાળ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઇને નવો ખુલાસો સામે આવ્યો છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો બનાવટી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરી વિદેશમાં નોકરી મેળવવા કે અન્ય દેશોમાં પ્રવેશવા માટે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પશ્ચિમ બંગાળ પોલીસ એલર્ટ થઇ ગઇ છે અને આવા લોકોની છટણી કરવાનું શરૂ કરી દેવાયું છે.
હાલ વિદેશમાં તેઓ શું કરી રહ્યા છે તેની તપાસ ચાલી રહી છે. કોલકાતા પોલીસ હાલ મૂળ પશ્ચિમ બંગાળના NRI ની વર્તમાન સ્થિતિ તપાસવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. કેટલાક લોકો બાંગ્લાદેશી નાગરિક હોવા છતા બનાવટી ભારતીય પાસપોર્ટના આધારે વિદેશમાં કામ મેળવી રહ્યા છે. તેઓ હાલ ભારતના નામે વિદેશમાં કામ કરી રહ્યા હોવાની શંકા છે.
કોલકાતા પોલીસે આ મામલે ત્રણ યૂરોપિયન દેશો સહિત અનેક દેશોમાં ભારતીય હાઇ કમિશનના અધિકારીઓને આ મુદ્દે સંદેશો મોકલ્યો છે. ખાસ કરીને એવા દેશોના ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે કે જ્યાં આ બાંગ્લાદેશીઓ ભારતીય હોવાનું કહીને ઘૂસી ગયા છે.
કોલકાતા પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે બનાવટી ભારતીય પાસપોર્ટના આધારે વિદેશમાં ગયેલા બાંગ્લાદેશીઓ ખરેખર ત્યાં કરી શુ રહ્યા છે, તેમની તમામ પ્રવૃત્તિઓની માહિતી મંગાવવામાં આવી રહી છે. આ બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ભારતમાં પ્રવેશ કર્યો એટલુ જ નહીં આધાર, પાન કાર્ડ સહિતના જુઠા દસ્તાવેજો ઉપરાંત નકલી ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધો હોવાની શંકા છે. આવા અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય હોવાના દાવા સાથે અન્ય દેશોમાં શુ કરી રહ્યા છે તેની તપાસ કરાઇ રહી છે.
આ બાંગ્લાદેશી ઘૂસણખોરો સૌથી પહેલા ફેક રાશનકાર્ડ તૈયાર કરાવે છે, બાદમાં આધાર, પાન કાર્ડ પણ બનાવી લે છે. એટલુ જ નહીં જન્મના પ્રમાણપત્રો પણ તેમની પાસેથી મળી આવતા હોય છે. તેમને આ દસ્તાવેજો અપાવવામાં સ્થાનિક એજન્ટો કામ કરી રહ્યા છે.