બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયે ભારતના હાઇ કમિશ્નરને બોલાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત-બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વાદ-વિવાદ અને ઘર્ષણ વધી ગયું છે. તાજેતરમાં જ બંને દેશોની સરહદ પર ગોળીબારની ઘટના બની હતી. ત્યારબાદ યૂનુસ સરકારે ભારત પર ગંભીર આક્ષેપ કર્યો છે તેમજ તેમના વિદેશ મંત્રાલયે ભારતના હાઈકમિશનર પ્રણય વર્માને બોલાવ્યા છે.
વાસ્તવમાં બંને દેશોની સરહદ નવાદા સરહદ ચોકી પર ૧૦ જાન્યુઆરીએ ગોળીબારની ઘટના બની હતી. આ દરમિયાન ૧૫ થી ૨૦ હથિયારધારી તસ્કરોએ જબરદસ્તીથી સરહદ પાર સામાન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન BSF ના જવાનોએ પણ તેમને ચેતવણી આપી હતી, જોકે તેઓ ન માનતા છેવટે BSF એ ફાયરિંગ કર્યું હતું.
ગોળીબારના ઘટના બાદ બાંગ્લાદેશમાં ઉથલપાથલ બાદ વચગાળાની સરકારની બાગડોર સંભાળનાર મોહમ્મદ યૂનુસે ભારત પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમની સરકારનું કહેવું છે કે, ભારતીય સેનાએ સરહદી વિસ્તારમાં કથિત ગોળીબાર કર્યો છે. આ ઘટના બાદ સરહદ પર બંને દેશોના સંબંધોમાં ખટરાગ શરૂ થઈ ગયો છે.
ઘટના બાદ BSF દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવાયું હતું કે, ૧૦ જાન્યુઆરીની રાત્રે બાંગ્લાદેશની સરહદ તરફથી કેટલાક તસ્કરોએ ભારતી સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સેનાના જવાનોએ ઘૂસવાનો ઈન્કાર કરવા છતાં તેઓ પરત ફરવા માંગતા ન હતા. ત્યારબાદ તસ્કરોએ જવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં જવાનોએ ખાલી રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં કોઈને પણ ઈજા થવાની સંભાવના નકારી શકાય નહી. તસ્કરો પાસે ફેંસેડિલની ૨૫ બોટલે, એક ચક્કુ અને એક ટોર્ચ હતી, જે તેઓ છોડીને ભાગી ગયા હતા.