પાલનપુર પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણકરતાઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠામાં પૈસાની લેતી દેતી મામલે વેપારીનું અપહરણ કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં પોલીસે ધનસુરાથી અપહ્યત વેપારીને છોડાવી ૪ શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ચારેય આરોપીઓ સામે પાલનપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ધીરજ માળી નામના વેપારીનું રૂપિયા ૫૦ હજારની લેતી દેતીના મામલામાં પાટણ જીલ્લાના ચાર જેટલા ઈસમોએ વેપારીનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું. માહિતી મુજબ પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ હતી. તપાસ અને પૂછપરછના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીને છોડાવ્યો હતો. ચારેય ઈસમો વેપારી સાથે ભાગીદારીમાં કોલસાનો વેપાર કરતા હતા. પોલીસે કિશન ઠક્કર, નાગજી રબારી, સંજય રબારી, જીગ્નેશ રબારીની ધરપકડ કરી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.