Last Updated on by Sampurna Samachar
પોલીસે અંદાજે ૧ લાખ ૧૫ હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠામાં LCB એ મોટી કાર્યવાહી કરતાં યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અત્યારે નકલી, બનાવટી અને ડુપ્લીકેટ વસ્તુ અને અધિકારીઓ ઝડપાય છે. ત્યારે બનાસકાંઠા LCB એ મોટી કાર્યવાહી કરતાં વધુ એક બનાવટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. સબસીડી યુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લીકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું. ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ડુપ્લીકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. બાતમીના આધારે LCB એ રેડ કરી વધુ એક કૌભાંડ ઝડપી પાડ્યું. અને મોટા પ્રમાણમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. LCB દિયોદર પોલીસ મથકે મુદ્દામાલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ખેડૂતે યુરિયા લિકવિડ બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો હતો તે જમીન ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને આપી હતી. આ મામલે પોલીસે અંદાજે ૧ લાખ ૧૫ હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કરતાં વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂત માલિક તેમજ ભાડા પટ્ટે આપનાર શખ્સોની પણ પોલીસ પ્રાથમિક પૂછપરછ કરશે. આ મામલે સબસીડી યુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લીકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું સમગ્ર બાબતોની તપાસ કરાશે. પોલીસે દિયોદરના ડુચકવાડા ગામમાં ખેતરમાં બનાવેલ ફેક્ટરી સઘન તપાસ કરી શકમંદોની વધુ તપાસ હાથ ધરશે.