Last Updated on by Sampurna Samachar
લગભગ ૪૦ બંદૂકધારીઓએ ઘણી બસો રોકી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં વંશીય ધોરણે ગહેરા વિભાજન જોવા મળી રહ્યાં છે. જેની માહિતી મળી હતી. સેનાથી લઈને સરકાર સુધી પંજાબીઓના વર્ચસ્વ સામે હિંસક આંદોલનો થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, બલુચિસ્તાનમાં આવી હિંસક ઘટનાઓમાં વધારો થયો છે, જેમાં પંજાબી મૂળના લોકોની હત્યા કરવામાં આવી હતી. હવે ફરી આવી જ ઘટના બની છે, જેમાં ૭ પંજાબીઓને બસમાંથી ઉતારીને મારી નાખવામાં આવ્યા હતા.

બલૂચ બળવાખોરોએ આ લોકોના ઓળખપત્રો તપાસ્યા અને પછી તેમને મારી નાખ્યા. આ લોકો પર આ હુમલો મોડી રાત્રે પંજાબ અને બલુચિસ્તાનને જોડતા સરહદી જિલ્લા બરખાનમાં થયો હતો. અજાણ્યા બંદૂકધારીઓએ પંજાબ જઈ રહેલા ૭ લોકોની હત્યા કરી. આ લોકોને અગાઉથી જ બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પછી તેઓએ તેમનું ઓળખપત્ર તપાસ્યું અને જ્યારે તેની પંજાબી ઓળખ જાહેર થઈ, ત્યારે તેમની હત્યા કરવામાં આવી.
બલુચિસ્તાન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૪૦ બંદૂકધારીઓએ ઘણી બસો રોકી હતી. તેમાં સવાર લોકોને બહાર કાઢીને તપાસવામાં આવી. આ દરમિયાન, પંજાબી મૂળના ૭ લોકો મળી આવ્યા હતા, જેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બરખાન-ડેરા ગાઝી ખાન હાઇવે પર બની હતી.
બરખાનના ડેપ્યુટી કમિશનર વકાર ખુર્શીદ આલમે જણાવ્યું હતું કે સશસ્ત્ર બળવાખોરોએ સાત મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા હતા. તેમના ઓળખપત્રો તપાસ્યા અને તેમને મારી નાખ્યા. આ બધા લોકો પંજાબના રહેવાસી હતા અને લાહોર જવા માટે બસમાં ચઢ્યા હતા. આ લોકોને નીચે ઉતાર્યા પછી, પંજાબી મૂળના લોકોને લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દેવામાં આવી. તરત જ તેમનો જીવ જતો રહ્યો હતો.
આ લોકોની હત્યા કર્યા પછી હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા. તમામ મૃતકોના મૃતદેહને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બરખાન ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ ચાલુ છે. બલુચિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પંજાબી મૂળના લોકો પર હુમલાઓ વધ્યા છે. ગયા વર્ષે જ આવી ઘણી ઘટનાઓ બની છે જેમાં પંજાબી મૂળના ડઝનબંધ લોકો માર્યા ગયા હતા.
એપ્રિલ ૨૦૨૪ માં, બે અલગ અલગ ઘટનાઓમાં ૧૧ લોકો માર્યા ગયા હતા. મે મહિનામાં જ ગ્વાદરમાં પંજાબના સાત વાળંદોની હત્યા કરવામાં આવી હતી. ઓગસ્ટમાં પણ, બસ અને ટ્રકમાંથી ઉતારી લેવામાં આવ્યા બાદ ૨૩ મુસાફરોના મોત થયા હતા. આ લોકોની હત્યા મુસાખેલ જિલ્લામાં કરવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.