Last Updated on by Sampurna Samachar
જો તેણે કબૂલાત આપવાનો ઇનકાર કર્યો તો તે તેના પરિવારને પણ આ કેસમાં ફસાવી દેશે તેમ કહી પોલીસ પર આરોપ લગાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપી નીતિન ગૌતમ સપ્રેએ કોર્ટમાં પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. હકીકતમાં, કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી નીતિન ગૌતમ સપ્રેએ પોલીસ પર આરોપ લગાવ્યો કે, પોલીસે ધમકી આપી કે જો તેણે કબૂલાત આપવાનો ઇનકાર કર્યો તો તે તેના પરિવારને પણ આ કેસમાં ફસાવી દેશે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા ૨૬ આરોપીઓને મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન આ પૈકીના એક આરોપી નીતિન ગૌતમ સપ્રેએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોલતા, સપ્રેએ દાવો કર્યો કે, તેમને ન્યાયિક કસ્ટડીમાંથી બોરીવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
આરોપીએ કોર્ટને કહ્યું કે, પોલીસે તેના પર દબાણ કર્યું અને કહ્યું કે જો તે નિવેદન નહીં આપે તો તેના પરિવારને પણ તેમાં ફસાવી દેવામાં આવશે. નીતિન ગૌતમ સપ્રેએ પોતાનું કબૂલાતભર્યું નિવેદન પાછું ખેંચવાની ઈચ્છા વ્યક્ત કરી અને જેલમાંથી કોર્ટમાં અરજી કરવાની પણ તૈયારી કરી છે. સપ્રેના વકીલ અજિંક્ય મધુકર ર્મિગલ અને ઓમકાર ઇનામદારે પુષ્ટિ કરી કે તેઓ તેમનું નિવેદન પાછું ખેંચવા માટે અરજી દાખલ કરશે. એડવોકેટ ર્મિગલે આ કેસ વિશે વાત કરતાં કહ્યું કે, તેમના અસીલ સપ્રેએ દાવો કર્યો કે, “તેને મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરવાની ધમકી આપવામાં આવી હતી કે તે અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો અને તેણે આ કેસમાં બે આરોપીઓને આશ્રય આપ્યો હતો.”
આરોપી સપ્રે પર આરોપ છે કે, બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે વોન્ટેડ આરોપી શુભમ લોનકરે કથિત રીતે તેનો સંપર્ક કર્યો હતો. આ સિવાય સપ્રે પર તેની ગેંગના સભ્ય રામ કનોજિયા સાથે મળીને હત્યાને અંજામ આપવાનો આરોપ છે. જોકે, બાબા સિદ્દીકીના રાજકીય કદને જોતા તેમણે આ કામ માટે ૫૦-૫૦ લાખ રૂપિયા માંગ્યા હતા. જ્યારે લોનકર આટલા પૈસાની માંગ પૂરી કરવામાં નિષ્ફળ ગયો, ત્યારે તેણે હત્યાને અંજામ આપવા માટે ઉત્તર પ્રદેશની એક ગેંગને કથિત રીતે હાયર કરી.