કેજરીવાલે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પત્ર આ મામલે પત્ર લખ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંબેડકર વિવાદ પર એક નવો દાવ રમ્યો છે. જેની મદદથી તેઓ મોદી સરકારને પાડી દેવા માંગે છે. કેજરીવાલે આ માટે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પત્ર લખ્યો છે. કેજરીવાલે NDA સરકારના બંને મહત્ત્વપૂર્ણ ભાગીદારોને તેમનું સમર્થન પાછું ખેંચવા માટે વિચારણા કરવા કહ્યું છે. હાલ લોકસભામાં ભાજપ પાસે ૨૪૦ બેઠકો છે. સરકાર બહુમતીમાં રહે તે માટે નીતિશ કુમારની JDU અને નાયડુની TDP ની મહત્ત્વની ભૂમિકા છે.
કેજરીવાલે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને લખેલા પત્રને સાર્વજનિક પણ કર્યો છે. જેમાં તેમણે સંસદમાં અમિત શાહના નિવેદનનો ઉલ્લેખ કરતાં આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, અમિત શાહના નિવેદનથી દેશભરના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. શાહે પોતાના નિવેદન માટે માફી માંગવાને બદલે તેને યોગ્ય ઠેરવ્યું છે અને વડાપ્રધાને પણ તેમને જાહેરમાં સમર્થન આપ્યું હતું.’
નાયડુ અને નીતિશ પાસે તેમનો અભિપ્રાય માંગતા કેજરીવાલે પત્રમાં લખ્યું હતું કે, ‘લોકોને એ વાતનો અહેસાસ થવા લાગ્યો છે કે, જે લોકો બાબા સાહેબનું સન્માન કરે છે તેઓ ક્યારેય ભાજપનું સમર્થન કરી શકે નહીં. બાબા સાહેબ માત્ર એક નેતા નથી, પરંતુ તેઓ રાષ્ટ્રની આત્મા છે. ભાજપના આ નિવેદન પછી લોકો તમારી પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે, તમે આ મુદ્દે ઊંડાણપૂર્વક વિચારો.’ અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા ભાજપના હેડક્વાર્ટર પાસે પ્રદર્શન પણ કર્યું હતું. તેમણે રસ્તા પર ધરણા કર્યા અને કહ્યું કે, તેઓ દિલ્હીમાં ઘરે-ઘરે જઈને આ વાત પહોંચાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદમાં બંધારણ પર થયેલી ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પ્રત્યે કોંગ્રેસના વલણની ટીકા કરી રહ્યા હતા. ત્યારે વિપક્ષ શાહ દ્વારા બાબા સાહેબ પર કરવામાં આવેલી એક ટિપ્પણીને લઈને હુમલો કરી રહ્યું છે અને અમિત શાહ પર બંધારણના નિર્માતાનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યું છે.
જોકે પ્રેસ કોન્ફરન્સમાં ખુદ અમિત શાહે આ મામલે ખુલાસો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓ તેમના ભાષણને તોડી મરોડીને રજુ કરી રહી છે. અમિત શાહે મીડિયાને તેમનું સમગ્ર નિવેદન બતાવવાની અપીલ કરી હતી. ભાજપનો આરોપ છે કે, અમિત શાહની ૧૨ સેકન્ડની વીડિયો ક્લિપને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને તેમનું આખું નિવેદન બતાવવામાં આવી રહ્યું નથી.