Last Updated on by Sampurna Samachar
બાબા રામદેવ, બાલકૃષ્ણ અને દિવ્યા ફાર્મસી વિરુદ્ધ વોરંટ જારી થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળની એક કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. મળતી માહિતી પ્રમાણે ન્યાયિક પ્રથમ વર્ગ મેજિસ્ટ્રેટએ બાબા રામદેવ, બાલકૃષ્ણ અને દિવ્યા ફાર્મસી વિરુદ્ધ વોરંટ જારી કર્યું. પલક્કડના ડ્રગ ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી છે.

તેમની ફરિયાદના આધારે ડ્રગ્સ અને ચમત્કારિક ઉપચાર એટલે કે વાંધાજનક જાહેરાતો અધિનિયમ, ૧૯૫૪ ની કલમ ૩અને કલમ ૭(છ) હેઠળ કેસ દાખલ કર્યો હતો. ૧૬ જાન્યુઆરીના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટે આપેલા આદેશમાં કહ્યું હતું કે, ‘ફરિયાદી ગેરહાજર છે. અને તમામ આરોપીઓ ગેરહાજર છે.
બધા આરોપીઓ માટે જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે.’ પલક્કડ જિલ્લા કોર્ટની વેબસાઇટ પરના કેસ સ્ટેટસ પ્રમાણે હવે આગામી તારીખ ૧ ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવામાં આવશે. બાબા રામદેવ સામે તેમના વિવિધ ઉત્પાદનોને લઈને કરાતી જાહેરાતો મુદ્દે પહેલી વાર કાર્યવાહી નથી થઈ. આ પહેલા પણ કોરોના મટાડવાનો દાવો કર્યા પછી ડોક્ટરોના સંગઠને તેમનો વિરોધ કર્યો હતો. આ સિવાય તેઓએ એઇડ્સ અને સમલૈંગિકતા મટાડવાના દાવાના કારણે પણ તેમની સામે કાર્યવાહી થઈ ચૂકી છે.
હકીકતમાં IMA એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહ્યું હતું કે, તેઓ કોવિડ વેક્સિન અને એલોપેથી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા હતો અને આયુર્વેદિક દવાઓ વિશે ખોટા દાવા કરી રહ્યો હતા. પતંજલિ પર કાયદાનો તોડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત પતંજલિની જાહેરાતોનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.